ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો, કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરેના નામ સાથે ઓલ ઈન્ડિયા, નેશનલ, ભારતીય જેવા શબ્દોના ઉપયોગ પર હવે નિયંત્રણ લાદવામાં આવ્યું છે. પૂર્વ મંજૂરી વગર આવા શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંબંધિત તમામ વિભાગોને આ બાબતની અમલવારી કરવા તાકીદ કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગે કરેલી તાકીદ અનુસાર કોઈપણ ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો, કંપનીઓ કે વેપારી પેઢીઓ હવે પૂર્વ મંજૂરી વગર આવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં. સરકારની મંજૂરી બાદ પણ કોઈ ખાનગી એકમ આવા શબ્દોનો ઉપયોગ કરે છે, તો તેણે નામની સાથે ‘આ એક ખાનગી સાહસ છે અને તેને સરકાર સાથે કોઈ લેવાદેવા કે સરકારી ઉદ્દેશ નથી’ એવું સ્પષ્ટ કરવું પડશે.
હાલમાં અનેક સંસ્થાઓ, ટ્રસ્ટો, પેઢીઓ જાણે કે સીધા સરકારી વિભાગો હોય તેમ પોતાના નામ સાથે આવા શબ્દો જોડી રહ્યા છે. ઘણા કિસ્સામાં પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, ઓફિસના બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપવામાં આવે છે, જેનાથી સામાન્ય નાગરિકો છેતરાઈને ખાનગી કામોને સરકારી સમજી નાણાં કે દસ્તાવેજો ગુમાવે છે. પરિણામે કેન્દ્ર સરકારે કરેલા પરિપત્ર મુજબ આ સૂચનાઓ આપવામાં આવી છે.
કંપનીઓ અને ટ્રેડમાર્ક સહિતની બાબતોની નોંધણી કરતી કચેરીઓને જ સ્ક્રીનિંગ વખતે આવા નામ અને પ્રતીકોવાળી ફાઈલો નામંજૂર કરી દેવાની તાકીદ કરાઈ છે. રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ, સહકારી વિભાગને રજિસ્ટ્રેશન તબક્કે જ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
કેવા શબ્દોનો ઉપયોગ નહીં કરી શકાય?
•ઓલ ઈન્ડિયા
•નેશનલ
•ભારતીય
•મંત્રાલય
•બ્યુરો
•કમિશન
•સેન્ટર









