રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૯.૧૦.૨૦૨૬
હાલોલ તાલુકાના તરખંડા ગામે બાળ ઉત્થાન અને ગ્રામીણ સુવિધાઓના સુદ્રઢીકરણ તરફ વધુ એક સફળ કદમ ઉઠાવાયું છે. સન ફાર્મા કંપનીના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) વિભાગના આર્થિક સહયોગથી ગામમાં નવેસરથી બાંધકામ પામેલા આધુનિક આંગણવાડી કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે સંપન્ન થયું હતું.કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે, “આંગણવાડી એ બાળકોના શારીરિક અને માનસિક વિકાસની પ્રથમ પાઠશાળા છે. સુસજ્જ મકાન અને આનંદદાયક વાતાવરણથી બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો રસ વધે છે. સન ફાર્મા કંપનીએ CSR પ્રવૃત્તિ થકી તરખંડામાં જે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે તે ખરેખર બિરદાવવા યોગ્ય છે.આ પ્રસંગે સન ફાર્મા કંપનીના CSR હેડ શ્રી પ્રતીકભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કંપનીના CSR પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી હતી. આ સિવાય તાલુકા વિકાસ અધિકારી (TDO), જિલ્લા પ્રોગ્રામ ઓફિસર (DPO), બાળ વિકાસ યોજના અધિકારી (CDPO), ઘટક અધિકારી, ICDS ટીમ, ભાજપ તાલુકા પ્રમુખશ્રી, તરખંડા ગામના સરપંચશ્રી તેમજ ગામના સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. નવીન આંગણવાડીનું લોકાર્પણ થતાં તરખંડા ગામના ગ્રામજનો, માતાઓ અને બાળકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. સમારંભના અંતે સ્થાનિકોએ સન ફાર્મા કંપની અને સરકારી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.











