
જામનગરમાં ૩૫૦થી વધુ સ્વયંસેવકોએ આખી રાત જાગીને બનાવ્યા ૧૮ હજાર લાડુનો મહાપ્રસાદ

કૃષ્ણનગરના જય અંબે મિત્ર મંડળનો અનોખો ગણેશોત્સવ : ૧૫,૫૫૧ લાડુ ભક્તોને અને ૨,૫૦૦ લાડુ અબોલજીવોને અર્પણ કરાશે
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૩ : ગણેશોત્સવની ધામધૂમભરી ઉજવણી વચ્ચે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા જય અંબે મિત્ર મંડળ દ્વારા ભગવાન ગણેશજીને અનોખો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ગણેશ પંડાલમાં ૩૫૦થી વધુ સ્વયંસેવકોએ આખી રાત મહેનત કરીને અંદાજે ૧૮ હજાર જેટલા લાડુ તૈયાર કર્યા હતા.
કૃષ્ણનગર શેરી નંબર-૪ના ગરબી ચોકમાં છેલ્લા ૨૧ વર્ષથી જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ગણેશજી માટે અલગ પ્રકારનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે વિશાળ પ્રમાણમાં લાડુનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો.
લાડુ બનાવવા માટે ૫૦૦ કિલો ભડકુ, ૨૫૦ કિલો ગોળ, ૨૦૦ કિલો ઘી, ૩૦ ડબ્બા તેલ તેમજ આશરે ૨૫ કિલો કાજુ, કિસમિસ અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ ઉપરાંત ૩ કિલો જાયફળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ વિશાળ આયોજનમાં ૧૫૦થી વધુ મહિલાઓ તથા ૨૦૦થી વધુ પુરુષો અને બાળકો સહિત ૩૫૦થી વધુ સ્વયંસેવકોએ રાતભર જાગીને લાડુ બનાવવાની કામગીરી કરી હતી. દિવસ દરમિયાન કાચી સામગ્રી એકત્ર કરવામાં આવી હતી અને રાત્રિના સમયે લાડુ બનાવવાનું શરૂ કરાયું હતું. સવાર સુધીમાં લાડુનો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો હતો.
તૈયાર કરવામાં આવેલા લાડુ ભગવાન ગણેશજીને ધરાવવામાં આવ્યા હતા. મહાઆરતી બાદ ૧૫,૫૫૧ લાડુ ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે, જ્યારે આશરે ૨,૫૦૦ લાડુ અબોલજીવોને ખવડાવવામાં આવશે. આ રીતે ગણેશોત્સવની ઉજવણી સાથે સેવાભાવ અને જીવદયાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.










