વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત આજે સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નુ આયોજન થતા આ યાત્રાનું કેશોદ જૂનાગઢમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતેથી ‘’સોમનાથથી વડનગર સેવાયાત્રા” બાઈક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ યાત્રાનો પ્રારંભ સોમનાથ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીઓએ જનસેવા માટે સતત તત્પર કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને તેઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ તકે ઉપસ્થિત સર્વે દ્વારા કેશોદ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કરીને ભાવ અંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રભુ શ્રી રામની પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કરીને તેમના ચરણોમાં ભાવ વંદના અર્પણ કરી હતી. તેમજ આ પ્રસંગની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર માર્ગ જયશ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આ બાઇક યાત્રા ત્યાંથી આગળ વધતાં જૂનાગઢ શહેર ખાતે અક્ષરવાડી ખાતે આવી પહોંચી હતી. જ્યાં બોચાસણ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી આ યાત્રા આગળ વડાલ ખાતે પહોંચી હતી. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ત્યાંથી આ યાત્રા આગળ રાજકોટ જિલ્લા તરફ વધશે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી લીનાબેન કાવાણી, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય શ્રી સંજયભાઇ કોરડીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર, શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, શ્રી પ્રશાંત કોરાટ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










