રાજુલાયોગેશ કાનાબાર

રાજુલામાં સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ‘બાલપદ્મ પુસ્તકાલય’નો પ્રારંભ

વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોમાં વાંચનપ્રવૃત્તિ વિકસે તેવા ઉમદા હેતુથી પુસ્તકાલય શરૂ કરાયું
રાજુલા: રાજુલા શહેરમાં સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સવિતા નગર રોડ પર આવેલા મંગલમ મૂર્તિ ખાતે ‘બાલપદ્મ પુસ્તકાલય’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમાજના વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો તેમજ માતાઓ અને બહેનોમાં વાંચનપ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને સૌને ઉપયોગી માહિતી તથા જ્ઞાન પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે પત્રકાર ધૈવત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પુસ્તકાલયનો હેતુ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી થાય તેવું જ્ઞાન અને માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. આવનારા સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુસ્તકાલયમાં ઉપયોગી અને જ્ઞાનવર્ધક પુસ્તકોની પસંદગી કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના આધુનિક મોબાઈલ યુગમાં બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો તેમજ માતાઓ અને બહેનો પુસ્તક વાંચન તરફ વળે અને વાંચનની ટેવ વિકસાવે તેવા આશયથી સમાજના વડીલો અને યુવાનો દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સ્થાનિક જ્ઞાતિના વડીલો, યુવાનો, માતાઓ અને બહેનોનો ઉત્સાહભેર સાથ-સહકાર મળતાં પુસ્તકાલય શરૂ કરવામાં સરળતા રહી હતી.
રાજુલા જ્ઞાતિના પ્રમુખ ભરતભાઈ વ્યાસ, કાત્યાયની મહિલા મંડળનાં પ્રમુખ રૂપાબહેન તેમજ જ્ઞાતિના વડીલોના આશીર્વાદ અને સહકારથી આ પુસ્તકાલય શરૂ થતાં આયોજકો દ્વારા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
‘બાલપદ્મ પુસ્તકાલય’ સમાજના લોકોમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવા, વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવા અને યુવા પેઢીને જ્ઞાનના માર્ગે આગળ વધારવા માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
યોગેશ કાનાબાર રાજુલા










