વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
પેટા:-દિવાળી દરમિયાન જાહેરાતના નામે નાણાની માંગણી કરતા તત્ત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને રજૂઆત.
ડાંગ જિલ્લામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પત્રકારત્વ, યુટ્યુબ, સોશિયલ મીડિયા અને આરટીઆઈના નામે જાહેરાતના બહાને કથિત રીતે નાણાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી છે.ડાંગ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો શાંત અને સંવેદનશીલ જિલ્લો છે.અહીના સ્થાનિક પત્રકારો જનતાના પ્રશ્નો, સરકારી યોજનાઓ, વિકાસનાં કામો અને વહીવટી તંત્રની કામગીરીને જનતા સમક્ષ રજૂ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. જોકે, દિવાળી જેવા તહેવારો નજીક આવતા ડાંગ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી કેટલાક લોકો યુટ્યુબર, સાપ્તાહિક અખબારોના પ્રતિનિધિ, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા વ્યક્તિઓ અથવા આરટીઆઈ કાર્યકર્તા તરીકે ઓળખ આપીને વિવિધ સરકારી કચેરીઓ,સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટરો,સરપંચો, અને અન્ય સંબંધિત વ્યક્તિઓ પાસે જાહેરાતના નામે નાણાની માંગણી કરતા હોવાની ફરિયાદો સામે આવતી હોવાની બાબત ચિંતાજનક ગણાવવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ પત્રકારત્વ, સોશિયલ મીડિયા અથવા આરટીઆઈના નામનો દુરુપયોગ કરીને ધાકધમકી કે દબાણ દ્વારા નાણાની માંગણી કરતી હોય, તો આવી પ્રવૃત્તિઓ સામે નિષ્પક્ષ તપાસ કરી પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે.આવી ઘટનાઓને કારણે પત્રકારત્વની વિશ્વસનીયતાને નુકસાન થવાની સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા સ્થાનિક પત્રકારોની પ્રતિષ્ઠા અને રોજગાર પર પણ વિપરીત અસર પડી શકે છે.રજૂઆતમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકારત્વ કરવુ,સોશિયલ મીડિયા પર સમાચાર રજૂ કરવા તથા કાયદાની જોગવાઈઓ મુજબ આરટીઆઈ અરજી કરવી એ કાયદેસરના અધિકારો છે. પરંતુ આ અધિકારોની આડમાં જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર નાણાંની માંગણી, ધાકધમકી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરતી હોવાનુ પુરાવાથી જણાય, તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.ડાંગ જિલ્લા પત્રકાર સંઘ દ્વારા રજૂઆતમાં કરાયેલી મુખ્ય માગણીઓમાં,દિવાળી પૂર્વે અને તહેવાર દરમિયાન પત્રકારત્વ, યુટ્યુબ, સોશિયલ મીડિયા અથવા આરટીઆઈના નામે જાહેરાતના બહાને નાણાંની કથિત માંગણી થતી હોવાની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.સરકારી કચેરીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને અન્ય સંબંધિત વ્યક્તિઓને આવી કોઈ શંકાસ્પદ માંગણી કે ધાકધમકીનો સામનો કરવો પડે તો તેઓ પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.જાહેરાતના નામે દબાણપૂર્વક નાણાંની માંગણી, ધાકધમકી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિના પુરાવા મળે તો જવાબદાર વ્યક્તિઓ સામે લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
પત્રકારત્વની ઓળખનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્ત્વોની ઓળખ કરી, ઉપલબ્ધ પુરાવાના આધારે કાયદેસર પગલાં લેવામાં આવે.ડાંગ જિલ્લા માહિતી કચેરીમાં નોંધાયેલા પત્રકારો તથા માન્ય સમાચાર માધ્યમો સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ અંગે કોઈ અનાવશ્યક ગેરસમજ ઊભી ન થાય તે માટે તથ્યોના આધારે ચકાસણી કરવામાં આવે.જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સરકારી કચેરીઓ, કોન્ટ્રાક્ટરો તથા સંબંધિત સંસ્થાઓને આવી કથિત ઉઘરાણાંની પ્રવૃત્તિઓ અંગે જાગૃત કરવામાં આવે અને ફરિયાદ મળતાં નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે.ડાંગ જિલ્લામાં વાહનો પર ‘પ્રેસ’ લખાવીને ફરતા વ્યક્તિઓના ઓળખપત્રો અને સંબંધિત દસ્તાવેજોની નિયમોનુસાર ચકાસણી કરવામાં આવે તથા કોઈ ગેરરીતિ જણાય તો કાયદા મુજબ યોગ્ય પગલાં લેવામાં આવે.જવાબદાર પત્રકારત્વની ગરિમા જાળવવા તંત્રને અપીલ
રજૂઆતમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પગલાંની માગણીનો હેતુ કોઈ ચોક્કસ પત્રકાર, યુટ્યુબર, આરટીઆઈ કાર્યકર્તા કે અન્ય વ્યક્તિને નિશાન બનાવવાનો નથી. પરંતુ પત્રકારત્વ અને કાયદેસરના નાગરિક અધિકારોની આડમાં જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી હોય,તો આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવે અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા પત્રકારોની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે આ રજૂઆતનો મુખ્ય હેતુ છે.આથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ આ ગંભીર બાબતને ધ્યાને લઈ જરૂરી તપાસના આદેશ આપે, નિવારક પગલાં ભરે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા મળે તો જવાબદાર વ્યક્તિઓ સામે નિષ્પક્ષ રીતે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અપીલ કરવામાં આવી છે.






