વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખડકિયા ગામે આવેલા પવિત્ર ઉપવન ખાતે શરદ પૂર્ણિમાના પાવન અવસરે સોનાજલ ગરબા મંડળ દ્વારા ગરબા મહોત્સવ સાથે ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં બાળકોએ વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી પોતાની સર્જનાત્મકતા અને કલાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે પી.આઈ. કિરણ પાડવી સહિતના મહાનુભાવોના હસ્તે સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યાં હતાં.
બાળકોમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને તેમનામાં આત્મવિશ્વાસ વધારવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમની આકર્ષક વેશભૂષા અને રજૂઆતને ઉપસ્થિત ગ્રામજનોએ બિરદાવી હતી.
આ પ્રસંગે પી.આઈ. કિરણ પાડવીએ બાળકોના સર્વાંગી વિકાસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, બાળકોને અભ્યાસની સાથે કલા, રમતગમત, સંસ્કૃતિ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા પ્રોત્સાહિત કરવાં જોઈએ. યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહનથી બાળકોમાં રહેલી પ્રતિભા વિકસે છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે.
કાર્યક્રમમાં પી.આઈ. કિરણ પાડવી, પત્રકાર ચેતન પટેલ, શિક્ષક પ્રિતેશ પટેલ અને કોર્ટ આસિસ્ટન્ટ વિપુલ દેશમુખ તરફથી બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યાં હતાં. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે મોહિનીબેન અને ઐશ્વર્યાબેને કામગીરી સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગામના આગેવાન રમેશભાઈ ગાયકવાડે કર્યું હતું.
આ પ્રસંગે ગામનાં બાળકો, મહિલાઓ, પુરુષો અને વડીલો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોના સહકારથી યોજાયેલો આ મહોત્સવ બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા સાથે સાંસ્કૃતિક પરંપરાઓ અને સામાજિક એકતાને ઉજાગર કરતો બન્યો હતો.






