વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડના ત્રણ ગામોના ૧૧૨થી વધુ પરિવારો તંત્ર અને ગેસ કંપનીની ‘ખો-ખો’ની રમતમાં પરેશાન
વલસાડ: વલસાડ તાલુકાના ભાણજી ફળિયા, તિઘરા અને અંદરગોટા વિસ્તારના ૧૧૨થી વધુ પરિવારો વર્ષ ૨૦૧૪-૧૫થી PNG ગેસ કનેક્શનની ડિપોઝિટ ભર્યા બાદ પણ છેલ્લા ૧૨ વર્ષથી જોડાણની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગુજરાત ગેસ કંપની અને નહેર વિભાગ વચ્ચેની વહીવટી ખેંચતાણને કારણે કનેક્શનનું કામ અટવાયેલું છે. લોકો કંપનીનો સંપર્ક કરે ત્યારે નહેર વિભાગની મંજૂરીનું કારણ બતાવવામાં આવે છે, જ્યારે નહેર વિભાગ તરફથી ગેસ કંપની પાસેથી જરૂરી દસ્તાવેજો મળ્યા ન હોવાનું જણાવવામાં આવે છે. પરિણામે બંને તંત્ર વચ્ચેની ‘ખો-ખો’ની રમતમાં છેલ્લા એક દાયકાથી સામાન્ય અને આદિવાસી પરિવારો પરેશાન થઈ રહ્યા છે.
આ ગંભીર મુદ્દે ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી, સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરીને સમયબદ્ધ રીતે PNG કનેક્શન આપવાની માંગ કરી છે.
રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જ વિસ્તારોમાં કેટલાક પરિવારોને PNG કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે વર્ષોથી ડિપોઝિટ ભરનાર અન્ય પરિવારોને હજુ સુધી જોડાણ મળ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં ભેદભાવ અને ‘વ્હાલા-દવલા’ની નીતિ અપનાવવામાં આવી રહી હોવાની લાગણી ઊભી થઈ છે.
કંપનીના ‘આજે-કાલે’ના વાયદાથી લોકો કંટાળ્યા
સ્થાનિક આગેવાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ગેસ કંપનીના અધિકારીઓને ફોન કરવામાં આવે ત્યારે ‘આજે આવીશું’, ‘કાલે આવીશું’ અથવા ‘૨૦ દિવસમાં આવીશું’ જેવા જવાબો આપવામાં આવે છે. જેના કારણે લોકો વારંવાર પોતાના રોજગાર અને મજૂરીના દિવસો ગુમાવીને સ્થળ પર રાહ જોતા રહે છે.
“ગેસ કંપનીની આજે આવું, કાલે આવું કહીને લોકોને ખો આપવાની રમત હવે નહીં ચલાવી લેવામાં આવે,” તેમ મુકેશ પટેલે જણાવ્યું હતું.
૧૫ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
સ્થાનિક આગેવાન ડો. નિરવ પટેલે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં કલેક્ટર કક્ષાએથી સમયબદ્ધ કાર્યવાહી કરીને સ્થળ પર PNG કનેક્શનનું કામ શરૂ કરવામાં નહીં આવે તો પ્રતીક ધરણાં સહિત કાયદેસર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
છેલ્લા ૧૨ વર્ષથી ડિપોઝિટ ભર્યા બાદ પણ જોડાણની રાહ જોઈ રહેલા પરિવારો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ વાસ્તવિક કામગીરી અને કનેક્શનની માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે જિલ્લા તંત્ર અને ગેસ કંપની હવે શું પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર છે.










