સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓ પર 10 ગણી વધુ કિંમત વસૂલવાને ‘ધોળા દિવસે લૂંટ’ ગણાવી છે. કેન્સરની દવાઓની MRP સાથે જોડાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્સરની જરૂરી દવાઓ ₹27,000માં વેચાઈ રહી છે, જ્યારે તેમની PTR (રીટેલરને મળતી કિંમત) માત્ર ₹2,700 છે. આ ધોળા દિવસે લૂંટ છે. દર્દીને એવી દવા માટે કેવી રીતે ઠગી શકાય, જેને બનાવનારી કંપની રીટેલરને ₹2,700માં વેચે છે, પરંતુ તેના પર MRP ₹27,000 છાપવામાં આવે છે એટલે કે 10 ગણી વધુ. જસ્ટિસ સંદીપ મહેતાએ સુનાવણી દરમિયાન કહ્યું કે, નવાઈની વાત એ છે કે જે અધિકારીઓએ આના પર નિર્ણય લેવો જોઈએ, તેઓ સંપૂર્ણપણે મૌન છે. તેમણે ઉમેર્યું કે અમારે આનું કારણ આપવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું, ‘જ્યારે દર્દીઓ આયુષ(AYUSH) સ્કીમ હેઠળ સારવાર કરાવી રહ્યા હોય છે, ત્યારે તેનો પૂરો ખર્ચ કરદાતાઓએ (ટેક્સપેયર્સ) ભોગવવો પડે છે. હૉસ્પિટલો આ ઊંચી કિંમતો પર દવાઓ ખરીદે છે, અને પછી સરકાર પાસેથી તેના પૈસા રી-ઈમ્બર્સ(પાછા) મેળવે છે. આખરે આ કરદાતાઓના જ પૈસા છે. આ સ્પષ્ટપણે છેતરપિંડીનો મામલો છે’. સુપ્રીમ કોર્ટે એ વાત પર ભાર મૂક્યો કે દવા ઉત્પાદકો અને સપ્લાય ચેઇનને અનુચિત પ્રોફિટ માર્જિન કમાવવાની છૂટ આપવામાં આવે છે, જ્યારે નિયામક સંસ્થાઓ (રેગ્યુલેટરી બોડીઝ) બીજી તરફ જોતી રહે છે, જેના કારણે ગંભીર બીમારીઓ સામે લડી રહેલા પરિવારો ગંભીર નાણાકીય સંકટમાં ફસાઈ જાય છે.
કોર્ટના જણાવ્યા અનુસાર, ખાનગી હૉસ્પિટલો અને વિતરકો ઓછી જથ્થાબંધ કિંમતે દવાઓ ખરીદીને અને વધારેલી મહત્તમ છૂટક કિંમત (MRP) પર રી-ઈમ્બર્સમેન્ટનો દાવો કરીને કરદાતાઓના પૈસાથી ચાલતી આરોગ્ય સેવાઓમાંથી ભારે સબસીડી વસૂલે છે. અદાલતે સંકેત આપ્યો કે જીવનરક્ષક દવાઓ પર પ્રોફિટ માર્જિનને મર્યાદિત કરવા અને ખાનગી તથા સરકારી સહાયતા પ્રાપ્ત તબીબી સારવાર બંનેમાં વ્યાપક નાણાકીય છેતરપિંડી રોકવા માટે તાત્કાલિક નિયમનકારી હસ્તક્ષેપની (રેગ્યુલેટરી ઇન્ટરવેન્શન) જરૂર છે.










