જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી સામે પીજીવીસીએલની ઝુંબેશ, બે દિવસમાં ૧૦૫ સ્થળે વીજચોરી પકડાઈ

મંગળવારે દેવભૂમિ દ્વારકામાં ૪૨ અને બુધવારેબન્ને જિલ્લા માં ૬૩ સ્થળે વીજચોરી ઝડપાઈ; તમામ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાઈ, આજે જામનગર શહેરમાં સઘન ચેકિંગ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા ૧૫: જામનગર પીજીવીસીએલની શહેર અને ગ્રામ્ય કચેરીઓ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા એમ બંને જિલ્લામાં વીજચોરી સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મંગળવારથી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશના પ્રથમ બે દિવસ દરમિયાન કુલ ૧૦૫ સ્થળોએ વીજચોરી પકડી પાડવામાં આવી છે. વીજચોરીના તમામ કિસ્સામાં સંબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધાવવામાં આવ્યા છે.
વીજચોરી અટકાવવા માટે પીજીવીસીએલ દ્વારા જુદી જુદી ચેકિંગ ટુકડીઓ બનાવીને બંને જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝુંબેશના પ્રથમ દિવસે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૪૨ સ્થળોએ વીજચોરી ઝડપાઈ હતી અને તમામ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ત્યારબાદ બુધવારે દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ જામનગર તાલુકાના સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન વધુ ૬૩ સ્થળોએ વીજચોરી પકડાઈ હતી. આમ, બંને દિવસમાં કુલ ૧૦૫ સ્થળોએ વીજચોરી ઝડપાતાં વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
દરમિયાન, આજે ગુરુવારે જામનગર શહેરમાં પણ વીજચોરી સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલની જુદી જુદી ટુકડીઓ દ્વારા શહેરના કાલાવડ નાકા સહિતના વિસ્તારો તેમજ અલગ અલગ સોસાયટીઓમાં વીજજોડાણોની તપાસ કરવામાં આવી રહી છે. વીજચોરી શોધી કાઢવા માટે વિશાળ કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.
પીજીવીસીએલની આ ઝુંબેશ દરમિયાન જામનગર શહેરમાં પણ વીજચોરીના કિસ્સાઓ સામે આવવાની શક્યતા વચ્ચે ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. બંને જિલ્લામાં વીજચોરી સામેની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે.











