અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ધનસુરાના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો પર પોલીસનું ફાયરિંગ, બે આરોપી ફરાર,પોશડોડાની હેરાફેરી સામે એસઓજીની કાર્યવાહી દરમિયાન ફાયરિંગની ઘટના

અરવલ્લી જિલ્લામાં પોશડોડાની હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ધનસુરાના શીણોલ નજીક ચકચાર મચાવતી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો કારને એસઓજી પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારમાં સવાર આરોપીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા આરોપીઓએ પિસ્તોલ કાઢી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ એસઓજી પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસના ફાયરિંગ બાદ આરોપીઓ સ્કોર્પિયો કારમાંથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોશડોડાની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓએ પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ વચ્ચે પોલીસે વળતો જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે.ફાયરિંગની ઘટનાની જાણ થતાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા નાકાબંધી ગોઠવી વિવિધ માર્ગો પર વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમોને કામે લગાડી હોવાનું જાણવા મળે છે. સાથે જ સ્કોર્પિયો કાર, પોશડોડાના જથ્થા અને આરોપીઓની હિલચાલ અંગેની વિગતો મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.ધનસુરાના શીણોલ પાસે બનેલી આ ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસની દોડધામ વધી છે









