વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભેળસેળયુક્ત મીઠાઈઓ અને ખાદ્યપદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા માંગ; આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ અને જનજાગૃતિ અભિયાન ચલાવવા સૂચન.
ભુજ,તા-૦૩ નવેમ્બર : આગામી સમયમાં આવતા સામાજિક અને ધાર્મિક તહેવારો દરમિયાન બજારોમાં મીઠાઈઓ તથા અન્ય ખાદ્યપદાર્થોની ખરીદીમાં વધારો થતો હોય છે. ત્યારે વેપારીઓ દ્વારા મીઠાઈઓ બનાવવામાં અને વેચાણમાં ભેળસેળ કે હલકી ગુણવત્તાવાળા પદાર્થોનો ઉપયોગ થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તહેવારો દરમિયાન બજારોમાં વેચાતી મીઠાઈઓ અને અન્ય ખાદ્યપદાર્થોની શુદ્ધતા જળવાઈ રહે તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તહેવારોના શુભ ઉત્સવમય વાતાવરણમાં મીઠાઈઓ બનાવવામાં અને વેચાણમાં કેટલીક વખત ભેળસેળ તથા હલકી ગુણવત્તાવાળા પદાર્થોનો ઉપયોગ થતો હોવાની શક્યતાઓ રહે છે. કેટલાક શરારતી તત્ત્વો તહેવારોની મોસમમાં વધતી માંગનો ગેરલાભ ઉઠાવી નફાખોરી કરતા હોય છે. આવી પ્રવૃત્તિઓ માત્ર ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી નથી, પરંતુ તહેવારોની પવિત્રતા અને સાંસ્કૃતિક મહત્ત્વને પણ અસર પહોંચાડે છે.અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ચાર મુખ્ય સૂચનો રજૂ કરવામાં આવ્યાં છે.
૧. આરોગ્ય વિભાગ દ્વારા શુદ્ધતાની તપાસ : આરોગ્ય વિભાગ તથા જિલ્લા પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા જિલ્લા, તાલુકા અને નગરોના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પ્રબુદ્ધ નાગરિકોની મદદથી મીઠાઈઓની દુકાનો અને ખાદ્યપદાર્થોના વેચાણ સ્થળોએ નિયમિત તપાસ હાથ ધરવામાં આવે.
૨. ભેળસેળ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી : ખાદ્યપદાર્થોમાં ગડબડ કે ભેળસેળ કરીને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કાયદાની જોગવાઈઓ અનુસાર દંડિત કરવામાં આવે.
૩. ખાદ્યપદાર્થોની ગુણવત્તાની તપાસ : ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટે નિયમિત રીતે નમૂનાઓ લેવામાં આવે અને ગુણવત્તાના માપદંડો સાથે સુસંગતતા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે.
૪. ગ્રાહક જાગૃતિ અભિયાન : શાસન-પ્રશાસન અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે બજારોમાં ભેળસેળની પ્રવૃત્તિઓ અટકાવવા તથા નાગરિકોને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે. આ અભિયાન દ્વારા સામાન્ય ગ્રાહકોને ભેળસેળ અંગે જાગૃત કરી વેપારીઓમાં પણ ગુણવત્તા અને શુદ્ધતાના નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવામાં આવે.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કચ્છ જિલ્લા સંયોજક તખતસિંહ સોઢાએ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા વહીવટી તંત્ર આ સંવેદનશીલ મુદ્દે યોગ્ય અને અસરકારક પગલાં લેશે, જેથી આગામી તહેવારોની ઉજવણી દરમિયાન બજારોમાં ઉપલબ્ધ મીઠાઈઓ અને ખાદ્યપદાર્થોની શુદ્ધતા જળવાઈ રહે અને નાગરિકોનું આરોગ્ય સુરક્ષિત રહે. આ તકે સહ સંયોજક એડવોકેટ ધવલભાઈ પાઠક સાથે રહેલ હતા અને ABGP કચ્છ વિભાગના વાલી અલ્પેશભાઈ જાની નું માર્ગદર્શન મળેલ હતું.











