MORBI:મોરબી નગર દરવાજા પાસેની બે દુકાનોમાંથી ૧૮૪ કિલો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો ઝડપાયો

મોરબી શહેરમાં તહેવારો અને ખાણીપીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. મોરબી શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા નગર દરવાજા નજીક આવેલી બે દુકાનોમાંથી પોલીસે કુલ ૧૮૪ કિલો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલની ટીમ મોરબી સીટી ‘એ’ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન નગરદરવાજા પાસે શંકાસ્પદ જથ્થો વેચાતો હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી:: અહીંના સંચાલક યાકુબભાઈ અબ્દુલભાઈ અંદાણી (રહે. કાયાજી પ્લોટ, રવાપર રોડ, મોરબી) ની દુકાનમાંથી ૨૫ કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આબીદભાઈની બાજુમાં આવેલી આ દુકાનના સંચાલક આબીદભાઈ હુશેનભાઈ અંદાણી (રહે. નાની બજાર, વણકર શેરી, મોરબી) પાસેથી ૧૧ કિલો શંકાસ્પદ ઘી તેમજ ‘પ્રીમિયમ ઓઇલ’ લખેલા તેલના ૧૦ ડબ્બા સહિત કુલ ૧૪૮ કિલો (કિંમત રૂ. ૨૪,૪૩૦/-) જથ્થો મળી આવ્યો હતો.

બેય દુકાનોમાંથી મળી આવેલ કુલ ૧૮૪ કિલો શંકાસ્પદ જથ્થો જેની અંદાજિત કિંમત રૂ. ૩૩,૧૮૦/- થાય છે, તે પોલીસે કબજે કર્યો હતો.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા ઘટનાની ગંભીરતા જોતાં SOG દ્વારા તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ ઘી અને તેલના જથ્થામાંથી જરૂરી સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા અને બાકીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
હાલ પોલીસે સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ SOG સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.












