તારીખ ૦૬/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શિક્ષણ જગતમાં પોતાની અનન્ય પ્રતિભા, અપ્રતિમ કાર્યનિષ્ઠા અને નવતર પ્રયોગશીલતા દ્વારા જ્ઞાનની ગંગા વહાવનારા ટીંબાગામ પ્રાથમિક શાળાના આદર્શ શિક્ષક ભરવાડ રઘુભાઈ સોથાભાઈ જેઓનું સમગ્ર જીવન અને તેમની ૨૭ વર્ષની દીર્ઘકાલીન શૈક્ષણિક સફર પ્રત્યેક શિક્ષક અને સમાજ માટે પરમ પ્રેરણાદાયી છે.પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વતની અને બી.એ. (ડબલ ગ્રેજ્યુએટ) તથા એમ.એ. જેવી ઉચ્ચ લાયકાત ધરાવતા રઘુભાઈએ વર્ષ ૧૯૯૯માં જાંબુઘોડાની પનિયારા પ્રાથમિક શાળાથી પોતાના શિક્ષણયજ્ઞનો આરંભ કર્યો હતો. શરૂઆતનાં સાત વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવતાં તેમણે સ્થાનિક પ્રજા સાથે અદ્ભુત આત્મીયતા સાધી, યુવાનોનું મંડળ બનાવી શાળાનો એવો કાયાકલ્પ કર્યો કે સંસ્થાને સી.આર.સી. અને તાલુકા કક્ષાનો પ્રથમ “શ્રેષ્ઠ શાળા એવોર્ડ” તેમજ જિલ્લા કક્ષાએ “શ્રેષ્ઠ ગ્રીનસ્કૂલ”માં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું.ત્યારબાદ વર્ષ ૨૦૦૯થી પોતાની માતૃશાળા ટીંબાગામ ખાતે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન-ટેક્નોલોજી જેવા વિષયોના ઉત્તમ શિક્ષક તરીકે તેઓ સતત કાર્યરત છે. વર્ગખંડના શિક્ષણને નિતનવીન, રસપ્રદ અને પ્રવૃત્તિમય બનાવવા માટે તેઓ સદાય જાગૃત રહે છે અને પ્રોજેક્ટ કાર્ય દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવે છે. તેમની આ વિશિષ્ટ અને પ્રશંસનીય શૈક્ષણિક કામગીરીની સુવાસને કારણે જ તેમને વર્ષ ૨૦૧૬માં તાલુકા કક્ષાનો અને વર્ષ ૨૦૧૯માં જિલ્લા કક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય, શૈક્ષણિક ક્ષેત્રે તેમના બહુમૂલ્ય પ્રદાન બદલ જાન્યુઆરી ૨૦૨૫માં પરમ પૂજ્ય મોરારિબાપુના પાવન હસ્તે તેમને પ્રતિષ્ઠિત “રાજ્યકક્ષાનો ચિત્રકૂટ એવોર્ડ” અર્પણ કરવામાં આવ્યો, જે તેમના જીવનની એક સુવર્ણ ક્ષણ બની રહી છે.તેમની વિદ્વત્તા અને માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પંચમહાલ જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. “ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ” (IISF ૨૦૨૫)માં તેમના દ્વારા માર્ગદર્શિત “રેડિયેશન ફ્રી હોમ” પ્રોજેક્ટની ભવ્ય પસંદગી થતાં તેઓ વિદ્યાર્થીઓ સાથે આઈ.આઈ.ટી. ગુવાહાટી (આસામ) ખાતે ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનમાં પણ વર્ષ ૨૦૨૨માં ગુવાહાટી ખાતે “મેગ્નેટિક પાવર સ્ટેશન ન્યૂ ડિઝાઇન” અને વર્ષ ૨૦૨૩માં પુણે (મહારાષ્ટ્ર) ખાતે “એજ્યુકેશનલ વાઇફાઇ ઇનોવેટિવ મોડેલ” રજૂ કરીને તેમણે દેશભરમાં સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૬ સુધી સતત ૮ વખત તેમના વિજ્ઞાન પ્રોજેક્ટો પસંદગી પામ્યા છે, જ્યારે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં તેમણે નવ જેટલાં ઇનોવેશન્સ રજૂ કર્યા છે.તેમના ઉત્તમ માર્ગદર્શન હેઠળ બાળકોએ ૬ “ઇન્સ્પાયર એવોર્ડ માનાંક” મેળવ્યા છે અને એન.સી.ઈ.આર.ટી. આયોજિત રાષ્ટ્રની સર્વોચ્ચ “વિદ્યાર્થી વિજ્ઞાન મંથન” પરીક્ષામાં બેસીને વિશિષ્ટ પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે.શિક્ષણ અને વિજ્ઞાનની સાથે-સાથે સાહિત્યના સર્જનમાં પણ રઘુભાઈનો ફાળો અદ્વિતીય રહ્યો છે. તેમણે “હસતાં ફૂલો” કાવ્યસંગ્રહ, “પંચમહાલ જિલ્લા કેળવણીનો ઇતિહાસ”, “પ્રજ્ઞા તાલીમ મોડ્યુલ”, “યોગ અને આપણી રમતો”, “કુદરતી ખેતી” તેમજ “ગ્રંથાલય જ્ઞાન સંગ્રહ” જેવાં ઉપયોગી પુસ્તકોનું લેખન કરી સાહિત્ય જગતને સમૃદ્ધ કર્યું છે. ઉપરાંત એક વિદ્યાર્થીનીને પ્રેરણા આપીને “સોનું” કાવ્યસંગ્રહ પણ તૈયાર કરાવ્યો છે.તેમના દ્વારા લિખિત “કુદરતી ખેતી” પુસ્તક રાજ્યના અનેક ખેડૂતો અને શિક્ષકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે અને તેમણે પોતે પણ ગામના ૧૦૦ જેટલા ખેડૂતોના માર્ગદર્શક બનીને ૩ ભવ્ય ખેડૂત સેમિનારો દ્વારા પ્રકૃતિમય ખેતીનો પ્રસાર કર્યો છે.શાળાનાં બાળકો જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના,એન.એમ.એમ.એસ., પી.એસ.ઈ. અને નવોદય જેવી શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં ૧૦૦% પરિણામ લાવી ઉચ્ચ સ્કોલરશિપ મેળવે તે માટે તેઓ સતત રાત-દિવસ મહેનત કરાવે છે. તેમણે શિક્ષણપદ્ધતિને સુધારવા બે મહત્ત્વનાં ક્રિયાત્મક સંશોધનો પણ કર્યા છે.શાળાના ભૌતિક વિકાસ માટે તેમણે લોકસંપર્ક સાધીને દાતાઓ પાસેથી રૂપિયા ૧૯ લાખ જેટલો માતબર લોકફાળો એકત્રિત કર્યો છે, જેના કારણે વર્ષ ૨૦૧૭માં શાળાને ગોધરા તાલુકાનો “બેસ્ટ SMC એવોર્ડ” અને “સ્વચ્છતા એવોર્ડ” પ્રાપ્ત થયો હતો.કન્યા કેળવણીના ઉત્કર્ષ માટે તેમણે કન્યાઓ માટે કરાટે ક્લાસ, સેમિનાર, યોગશિબિર અને સતત ૫ વર્ષ સુધી સમર કેમ્પનું ભવ્ય આયોજન કર્યું છે. તેમના આ સઘન શૈક્ષણિક વાતાવરણને લીધે જ આ પ્રાથમિક શાળાના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ આજે MBBS અને MDમાં પ્રવેશ મેળવીને ડોક્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યા છે.કર્મઠ, બહુમુખી પ્રતિભા ધરાવતા અને શિક્ષણ તેમજ સમાજના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા રાષ્ટ્રપ્રેમી શિક્ષક શ્રી રઘુભાઈ ભરવાડની ગૌરવવંતી યશગાથાને સમગ્ર શિક્ષણ જગત આદરપૂર્વક બિરદાવે છે.








