તા.02/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


પોલીસે સ્થળ પરથી રૂ. 1,07,400 નો માદક પદાર્થ જપ્ત કરી બે આરોપીઓ સામે ધજાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ, સાયલા: રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય નાઓની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ અને નશાકારક પદાર્થોની હેરાફેરી સામે શરૂ કરાયેલી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત રાજકોટ રેન્જ ટીમને મોટી સફળતા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સાયલા તાલુકાના કોટડા ગામે દરોડો પાડી પોલીસે રૂ. ૧,૦૭,૪૦૦ ની કિંમતનો ૭ કિલો ૧૬૦ ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ (પોશડોડા)નો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એન. મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગેની ચોક્કસ બાતમી મેળવવામાં આવી હતી. આ હકીકતથી લીંબડી ડીવાયએસપી વી. એમ. રબારીને માહિતગાર કરી રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ ટીમના પોલીસ કર્મચારીઓ યોગેન્દ્રસિંહ ચુડાસમા, અતુલભાઇ ડાભી, અજયવીરસિંહ ઝાલા, ફતેસંગ પરમાર તથા રાજુભાઇ પઢેરીયા સહિતના સ્ટાફે કોટડા ગામે આંગણવાડી પાસે આવેલ આરોપી અમરાભાઇ હરસુરભાઇ વાળાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન મકાનમાંથી કોઈ પણ પાસ-પરમિટ કે આધાર વગરનો ગેરકાયદેસર ૭ કિલો ૧૬૦ ગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. ૧,૦૭,૪૦૦ નો માદક પદાર્થ જપ્ત કરી આરોપી અમરાભાઇ હરસુરભાઇ વાળા રહે. કોટડા, તા. સાયલાની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ માદક પદાર્થનો જથ્થો બિપીન ગોર રહે. સુદામડા, સાયલા પાસેથી મેળવ્યો હોવાનું ખુલતા પોલીસે બંને આરોપીઓ સામે લીંબડી ડીવાયએસપી વી. એમ. રબારીની રૂબરૂ ફરિયાદ આપી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










