તા.૭/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
જમીનની ફળદ્રુપતા વધારવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયત્નશીલ: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
અકસ્માતે મૃત્યુ પામનારા ખેડૂતના વારસદારને અપાતી સહાયમાં રૂ. એક લાખ વધારો, હવે રૂ. ચાર લાખ સહાય અપાશે: ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા
અકસ્માતે અવસાન પામેલા ૦૬ ખેડૂતોના વારસદારોને કુલ રૂ. ૧૮ લાખની સહાયનું વિતરણ કરાયું
Rajkot: રાજકોટ તાલુકાના બેડી ગામમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિર્મિત વિશાળ ઓક્શન શેડની તક્તીનું આજરોજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ખુલ્લામાં પડેલો ખેડૂતોનો પાક અને માલસામાન પલળી જવાથી ભારે નુકસાન થતું હોય છે. અહીં યાર્ડમાં તૈયાર થયેલા ઓક્શન શેડને કારણે ખેતપેદાશો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોની અનેક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. સરકારની બાયો-સી.એન.જી. પ્લાન્ટ યોજના, શૂન્ય ટકા વ્યાજે લોન અને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન થકી જમીનની ફળદ્રુપતા વધારવા અને આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયત્નશીલ છે.

આ અવસરે જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજકોટ ખેડૂતોના હિત માટે સતત કાર્ય કરતી સંસ્થા છે. અહીં ખેડૂત, વેપારી અને એ.પી.એમ.સી.ના સહયોગથી રૂ. ૩૦-૩૦ લેખે ભોજન વ્યવસ્થા સુચારૂ રૂપે ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ, પડધરી, લોધિકા તાલુકાના અકસ્માતે મૃત્યુ પામનારા ખેડૂતના વારસદારને આપવામાં આવતી સહાયની રકમ રૂ. એક લાખ વધારીને હવેથી રૂ. ચાર લાખ આપવામાં આવશે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ એ.પી.એમ.સી.એ ખેડૂત કલ્યાણકારી સંસ્થા તરીકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ખેડૂત અગ્રણી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ઉપસ્થિતોએ આ તકે એ.પી.એમ.સી., રાજકોટની વિકાસગાથાની ડોક્યુમેન્ટરી નિહાળી હતી. તેમજ મહાનુભાવોએ અકસ્માતે અવસાન પામેલા છ ખેડૂતોના વારસદારોને રૂ. ત્રણ લાખ લેખે કુલ રૂ. ૧૮ લાખના સહાય ચેક આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજકોટ એ.પી.એમ.સી. ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે સાંસદ સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય સર્વ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી પ્રવીણાબેન રંગાણી, શ્રી ગોરધનભાઈ ધામેલીયા સહિત અગ્રણીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ, સહકારી સંઘોના ચેરમેન અને ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.










