તા.૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીનાં બહેનોનું સન્માન તથા અભિવાદન કરાયું
ભૂલકાઓના શિક્ષણ, પોષણ અને આરોગ્યની પાયાથી સંભાળ લેતી આંગણવાડી તથા આશા બહેનો સન્માનને પાત્ર
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં બાળકોને સ્વચ્છ વાતાવરણમાં ગુણવત્તાસભર શિક્ષણ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ મળી રહી છે
માતા અને બાળ આરોગ્યના ક્ષેત્રે આશા બહેનોની નિષ્ઠાપૂર્વકની કામગીરીથી સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યાં છે
Rajkot: જસદણના અક્ષરધામ મંદિર ખાતે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ‘આંગણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકર્તા અને આશા બહેનો માત્ર પોતાની ફરજ બજાવતા નથી, પરંતુ ભૂલકાઓ અને તેમના પરિવાર સાથે આત્મીયતાથી જોડાઈને પરિવારના સભ્યની જેમ તેમની સંભાળ રાખે છે. બાળકોના પોષણ, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે આ બહેનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમની નિષ્ઠા અને સેવાભાવ ખરેખર સન્માનને પાત્ર છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકના જીવનના શરૂઆતના વર્ષો તેના સમગ્ર ભવિષ્યનો પાયો નક્કી કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાસભર અને સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં બાળકોને સ્વચ્છ અને સુખદ વાતાવરણમાં પૌષ્ટિક આહાર સાથે ગુણવત્તાસભર પ્રારંભિક શિક્ષણ મળી રહે તે માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આશા વર્કર બહેનો દ્વારા સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોના આરોગ્યની સતત દેખરેખ રાખવામાં આવે છે. આરોગ્ય તંત્ર અને સમાજ વચ્ચે સેતુરૂપ બનીને આશા બહેનો જે નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી રહી છે, તેના પરિણામે માતા અને બાળ આરોગ્યના ક્ષેત્રે સતત સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ તમામ બહેનોને તેમની સેવાભાવના સાથેની કામગીરી બદલ અભિનંદન આપી વધુ ઉત્સાહ સાથે કાર્ય કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

‘આંગણ ઉત્સવ’માં બાળકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આઈસીડીએસ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર્તા અને આશા વર્કર બહેનો, આંગણવાડીના ભૂલકાઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.











