WAKANER:રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો; સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ


BAOU વાંકાનેર કેન્દ્રના ગોલ્ડ-સિલ્વર મેડલ વિજેતા ૧૦ અને ‘તેજતૃષા’ સ્પર્ધાના ૨૫ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
શિક્ષણ મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી કૌશલ્યવર્ધન અને ઉજ્જવળ ભવિષ્ય માટે પાઠવી શુભેચ્છાઓ*
મોરબીના વાંકાનેર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી શૈક્ષણિક સંકુલ – શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કાર્યરત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના અભ્યાસ કેન્દ્રના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સંકુલના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
ઓગસ્ટ ૨૦૧૯ થી ૨૦૨૫ સુધીના સત્રમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર ૧૦ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન અર્થે યોજાતી ‘તેજતૃષા’ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં મેડલ મેળવનાર ૨૫ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી રિવાબા જાડેજાએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આ સન્માન સમારોહમાં અગ્રણીશ્રી જયંતીભાઈ રાજકોટિયા,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતા, શ્રી સોનલબેન દોશી, સોસાયટીના ઉપપ્રમુખ શ્રી કલ્પેન્દુભાઈ મહેતા, માનદ મંત્રીશ્રી અનંતરાય મહેતા સહિતના તમામ ટ્રસ્ટીશ્રીઓ, BAOU રાજકોટ પ્રાદેશિક કેન્દ્રના રિઝનલ ડિરેક્ટરશ્રી હર્ષવર્ધનજી, ઉપપ્રમુખશ્રી કલ્પેન્દુભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડિનેટર ડો. શીતલબેન શાહ, બ્રિજેશભાઈ બારસરા, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રધાનાચાર્યો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, મેડલ વિજેતા વિદ્યાર્થીઓના વાલીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.












