
બોડેલી APMC ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા ‘રિફોર્મ ઉત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 350 કપાસ ઉત્પાદક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કપાસ ક્ષેત્રમાં અમલમાં મૂકાયેલા સુધારા, ડિજિટલાઇઝેશન, ટેક્નોલોજી આધારિત સેવાઓ, ‘કપાસ કિસાન એપ’, BITS, COTBIZ તેમજ કપાસની ઉત્પાદકતા વધારવા માટેના ‘કપાસ ક્રાંતિ’ મિશન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું નેતૃત્વ CCIના જનરલ મેનેજર પી. અમરનાથ રેડ્ડીએ કર્યું હતું, જ્યારે વડોદરાના JDA કૃષિ એમ.એમ. પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે KVK ગોલા ગામડીના SMS એગ્રોનોમી ચિરાગ પટેલ, મધ્ય ગુજરાત જીનર્સ એસોસિએશનના પ્રમુખ અનાજકુમાર શાહ, ઉપપ્રમુખ શૈલેશભાઈ પટેલ, સચિવ હિતેશ શાહ, APMC બોડેલીના ચેરમેન કૌશિકભાઈ પટેલ, APMC સંખેડાના ચેરમેન ભૌમિકભાઈ દેસાઈ તથા APMC બોડેલીના સેક્રેટરી અજિતકુમાર ભગત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. CCIના જનરલ મેનેજર પી. અમરનાથ રેડ્ડીએ કપાસ સીઝન 2025-26 દરમિયાન ગુજરાતમાં CCI દ્વારા કરવામાં આવેલી ખરીદી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આશરે 4 લાખ ખેડૂતોની ‘કપાસ કિસાન મોબાઇલ એપ’ પર નોંધણી કરવામાં આવી હતી, જેમાંથી આશરે 3 લાખ ખેડૂતોએ પોતાનો કપાસ સીધો CCIને વેચ્યો હતો. આ સીઝન દરમિયાન ગુજરાતમાં CCI દ્વારા કુલ 97.68 લાખ ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી હતી અને ડિજિટલ માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં સીધી રૂ. 7,862.81 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. CCI દ્વારા ખેડૂતોને કાગળવિહોણી, વ્યક્તિગત સંપર્ક વિના અને રોકડ વ્યવહાર વિના સરળતાથી MSPનો લાભ મળે તે દિશામાં સુધારા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું હતું. મુખ્ય અતિથિ એમ.એમ. પટેલે ખેડૂતોને નવી કૃષિ ટેક્નોલોજી અપનાવવા અનુરોધ કરતાં BT કપાસ, નેનો DAP, ઈન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ અને બહુવિધ પાક પદ્ધતિનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે KVK ગોલા ગામડીના ચિરાગ પટેલે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ એટલે કે HDPSના ફાયદા સમજાવી પ્રતિ એકમ વિસ્તારમાં કપાસની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને લાભદાયક સૂક્ષ્મજીવો પર થતી પ્રતિકૂળ અસર અંગે સાવચેત કર્યા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે સંવાદાત્મક પ્રતિસાદ સત્ર યોજાયું હતું, જેમાં ખેડૂતોએ ‘કપાસ કિસાન એપ’, CCIની ખરીદી વ્યવસ્થા અને ટકાઉ કપાસ ઉત્પાદન પદ્ધતિઓ અંગે પોતાના વિચારો અને પ્રતિસાદ રજૂ કર્યા હતા.રિપોર્ટર તોસીફ ખત્રી









