વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન સ્ટેજ, માઈક, સાઉન્ડ સિસ્ટમ અને નિર્ણાયકોની બેઠક વ્યવસ્થાના અભાવ અંગે તટસ્થ તપાસ કરી પુનઃમૂલ્યાંકન અથવા પુનઃસ્પર્ધાની માંગ.
ભુજ,તા – ૨૮ સપ્ટેમ્બર : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ભુજ તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાની વ્યવસ્થા, નિર્ણય પ્રક્રિયા અને ગુણાંકન અંગે સનરાઈઝ એકેડમી, ભુજ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, શાળાની ધોરણ-૯ની વિદ્યાર્થીની કુ. ધ્યાની અલ્પેશકુમાર જાનીએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીએ અગાઉ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્ય પ્રથમ, રાષ્ટ્રીય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ, આકાશવાણીની વક્તવ્ય સ્પર્ધામાં જિલ્લા પ્રથમ સહિત વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિઓ મેળવી હોવાનું શાળા દ્વારા જણાવાયું છે. તાજેતરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત QDC કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પણ તેણે માધ્યમિક સંવર્ગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
શાળા દ્વારા રજૂઆતમાં સ્પર્ધાના સ્થળે સ્ટેજ, માઈક, યોગ્ય સાઉન્ડ સિસ્ટમ, નિર્ણાયકો માટે બેઠક વ્યવસ્થા તેમજ શાંત વાતાવરણ જેવી મૂળભૂત વ્યવસ્થાઓના અભાવ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સ્પર્ધા વર્ગખંડમાં સ્ટેજ વિના યોજાઈ હોવાને કારણે સ્પર્ધકોને પોતાની વક્તૃત્વ ક્ષમતા રજૂ કરવામાં અસુવિધા થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ અંતિમ કાર્યક્રમ સભાખંડ કે પ્રાર્થના ખંડને બદલે લોબીમાં યોજાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
સનરાઈઝ એકેડમી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ સમગ્ર પ્રક્રિયાની તટસ્થ તપાસ કરી સ્પર્ધાનું પુનઃમૂલ્યાંકન અથવા યોગ્ય વ્યવસ્થા સાથે પુનઃવક્તૃત્વ સ્પર્ધા યોજવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં સ્પર્ધા માટે યોગ્ય સ્થળ, સ્ટેજ, માઈક-સાઉન્ડ સિસ્ટમ, નિર્ણાયકોની યોગ્ય બેઠક વ્યવસ્થા તથા સ્પષ્ટ માપદંડો સુનિશ્ચિત કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.
શાળાએ જણાવ્યું છે કે સેવા સંકલ્પ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પ્રતિભા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો હોવાથી સ્પર્ધાની પ્રક્રિયા પારદર્શક, વ્યવસ્થિત અને ન્યાયસંગત રહે તે જરૂરી છે. સમગ્ર મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.












