વિજાપુર ડેપો ખાતે રોડ સેફટી જાગૃતિ અને વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો



આર.ટી.ઓ. અધિકારીએ કામદારોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું; વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
વત્સલયમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એસ.ટી. ડેપો ખાતે રોડ સેફટી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહેસાણા આર.ટી.ઓ. ઉત્સવભાઈ ત્રિવેદીએ ડેપોના કામદારોને માર્ગ સલામતી અંગે જરૂરી માર્ગદર્શન આપી ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે વાહન ચલાવતી વખતે સલામત ડ્રાઈવિંગ, ટ્રાફિક નિયમોનું પાલન, મુસાફરોની સુરક્ષા તેમજ અકસ્માત નિવારણ અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. વાહનચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે તો અકસ્માતોનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી શકે તેમ આર.ટી.ઓ ઉત્સવ ભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું.
રોડ સેફટી જાગૃતિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આર.ટી.ઓ. ઉત્સવભાઈ ત્રિવેદીના હસ્તે ડેપો પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ડેપોના કામદારોએ પણ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડેપો મેનેજર વી.સી. ચૌધરી સહિત ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોડ સેફટી અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.










