WAKANER:વાંકાનેરમાં દિલીપ ગેસ એજન્સી પર ગંભીર આક્ષેપ: ગ્રાહકોના ક્વોટાના ગેસ સિલિન્ડરોની કાળા બજારીનો આરોપ

વાંકાનેર: વાંકાનેર સ્થિત દિલીપ ગેસ એજન્સી સામે ગ્રાહકોના હક્કના ગેસ સિલિન્ડરો તેમની જાણ બહાર અન્યત્ર વેચી કાળા બજારી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આક્ષેપો સામે આવતા એજન્સીની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
એક તરફ દિલીપ ગેસ એજન્સી દ્વારા ડિજિટાઇઝેશનના મોટા દાવા કરવામાં આવે છે. ગેસ કનેક્શન સાથે મોબાઇલ નંબર ફરજિયાત લિંક કરાવવો, કેશ પેમેન્ટના બદલે ડિજિટલ પેમેન્ટ માટે ગ્રાહકો પર આગ્રહ રાખવો અને વિવિધ નિયમોના નામે ગ્રાહકોને હેરાન કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ ગ્રાહકોના ક્વોટામાંથી તેમની જાણ અને મંજૂરી વગર ગેસ સિલિન્ડરો ઉપાડી લેવાતા હોવાનો આરોપ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, ગ્રાહકના નામે ફાળવાયેલા ગેસ સિલિન્ડરોની ડિલિવરી ગ્રાહકને મળ્યા વગર જ અન્યત્ર પહોંચાડવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિક ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે એક જાગૃત ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કચેરીમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જો આક્ષેપો સાચા સાબિત થાય તો તે માત્ર ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન જ નહીં, પરંતુ ગેસ વિતરણ વ્યવસ્થામાં ગંભીર ગેરરીતિ અને કાળા બજારીનો મોટો કિસ્સો બની શકે છે. હવે સંબંધિત તંત્ર આ ફરિયાદના આધારે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.










