છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો અને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી બંધ પડેલા પરંપરાગત દશેરાના મેળાને ફરી શરૂ કરવાની જાહેરાત સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી છે. છોટાઉદેપુર પંથકમાં આદિવાસી સંસ્કૃતિ, રીતિ-રિવાજો, લોકકલા અને લોકમેળાની પરંપરા વર્ષો જૂની છે, ત્યારે આ ઐતિહાસિક મેળો ફરી શરૂ થવાથી આદિવાસી સમાજના સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ અને પ્રોત્સાહન મળશે. સાંસદની આ જાહેરાત બાદ આદિવાસી સમાજ સહિત સ્થાનિક લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ મેળો માત્ર મનોરંજનનું માધ્યમ જ નહીં, પરંતુ છોટાઉદેપુરની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરા સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે. મેળાના પુનઃઆયોજનથી સ્થાનિક વેપાર-રોજગારને વેગ મળવાની સાથે યુવા પેઢીને પણ પોતાની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાવાની તક મળશે. વર્ષો જૂના દશેરાના મેળાને ફરી શરૂ કરવાની જાહેરાતથી સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર તોસીફ ખત્રી










