મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં નવરાત્રીના પાવન અવસરે એક મોટો અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ગ્વાલિયરમાં શીતલા માતા મંદિરના રસ્તે જઈ રહેલા શ્રદ્ધાળુઓને ચોખા ભરેલા એક બેકાબૂ ટ્રકે કુચળી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં 13 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.

ગ્વાલિયરના એસએસપી ધરમવીર સિંહના જણાવ્યા અનુસાર, છિનોર તરફથી મંદિર તરફ આવતી સડક પર ભારે ઢાળ આવેલી છે. આ રસ્તા પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. રાત્રે લગભગ 1:30 વાગ્યે ધાન ભરેલા એક ટ્રકને ત્યાં રોકવામાં આવ્યો હતો. પરંતુ અચાનક આ ટ્રકે પોલીસના બેરિકેડ તોડી નાખ્યા અને ઢાળમાંથી નીચે બેકાબૂ બનીને દોડી આવ્યો હતો. આ ટ્રક સીધો મંદિરની બહારની દીવાલ અને ગેટ સાથે અથડાયો હતો, જેના કારણે રસ્તા પર ચાલી રહેલા શ્રદ્ધાળુઓ ટ્રક નીચે દબાઈ ગયા હતા.
એસએસપીએ જણાવ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કુલ 39 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જેમાંથી 13 લોકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા છે. આ ભયાનક અકસ્માતમાં 5 થી 6 દર્દીઓને ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચર થયા છે. બાકીના ઘાયલોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ખાસ વાત એ છે કે આ દુર્ઘટનામાં ડ્યુટી પર તૈનાત બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે, જેમની પણ સારવાર ચાલી રહી છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અનિયંત્રિત ટ્રકની અડફેટે આવવાથી પંદર લોકોના મોતની દુર્ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમઓએ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ-પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે, સાથે જ ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરી છે.
ગ્વાલિયરના કલેક્ટર રુચિકા ચૌહાણે જણાવ્યું કે રાત્રે લગભગ 1:30 વાગ્યે ટ્રક બેકાબૂ થવાની સૂચના મળતા જ તુરંત એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઘાયલોની ઈજાઓની સાચી સ્થિતિ જાણવા માટે સીટી સ્કેન અને એક્સ-રે કરવામાં આવી રહ્યા છે, જેથી યોગ્ય સારવાર મળી શકે.
કલેક્ટરે જણાવ્યું કે નવરાત્રી દરમિયાન રસ્તા પર પોલીસ ચેકપોઇન્ટ અને બેરિયર્સ હાજર હોવા છતાં આ ટ્રક બેરિકેડ તોડીને મંદિરના રસ્તા સુધી કેવી રીતે પહોંચ્યો, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ટ્રકની ટેકનિકલ તપાસ માટે આરટીઓ (RTO) ની ટીમ મોકલવામાં આવી છે. આ ટીમ એ વાતની તપાસ કરશે કે વાહનમાં કોઈ ખામી હતી કે નહીં અને ટ્રક કેવી રીતે બેકાબૂ બન્યો હતો. વહીવટી તંત્ર અકસ્માતના તમામ કારણો અને સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.










