HALVAD:હળવદના વિકાસમાં ઐતિહાસિક કદમ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.૭૫.૧૯ કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન

સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાની પ્રેરક ઉપસ્થિતિ
૨૫થી વધુ ગામોના ગ્રામજનો સહિત હળવદના નગરજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ઉદ્યોગોને મળશે ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત

મોરબી તા.૧૮ ઓક્ટોબર- હળવદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લાંબા સમયથી અનુભવાતા ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ તરફ એક મહત્વપૂર્ણ કદમ ભરતાં વેગડવાવ રોડ રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરબ્રિજના નિર્માણકાર્યનું ભૂમિપૂજન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. કુલ ૭૫ કરોડ ૧૯ લાખના ખર્ચે ૨ વર્ષની સમય મર્યાદામા કામ પૂર્ણ થશે.
વેગડવાવ રેલવે ફાટક હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે અવરજવરનો મહત્વપૂર્ણ માર્ગ છે. અહીં રેલવે ફાટક બંધ થવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને વારંવાર સમયનો વ્યય, ટ્રાફિકની સમસ્યા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે આ સ્થળે ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ થવાથી ૨૫થી વધુ ગામોના ગ્રામજનોને વિકાસકાર્યનો સીધો લાભ મળશે, તેમજ હળવદ શહેરના નગરજનોની અવરજવર વધુ સરળ અને સુગમ બનશે.
ખાસ કરીને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં, વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં અવરજવર કરવામાં, ખેડૂતોને ખેતપેદાશો બજાર સુધી પહોંચાડવામાં તેમજ ઔદ્યોગિક એકમો અને વેપાર-ધંધા સાથે સંકળાયેલાં વાહનોની અવરજવરમાં નોંધપાત્ર સુવિધા ઊભી થશે. આ ઉપરાંત, હળવદના સ્મશાન ભૂમિ ખાતે અંતિમવિધિ માટે જતાં પરિવારો અને નાગરિકોને પણ રેલવે ફાટકના કારણે ઊભી થતી મુશ્કેલીઓમાંથી રાહત મળવાની આશા છે. આમ, આ વિકાસકાર્ય માત્ર વાહનવ્યવહારને સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ આરોગ્ય, શિક્ષણ, ખેતી, ઉદ્યોગ અને સામાજિક જીવન માટે પણ ઉપયોગી સાબિત થશે.
ભૂમિપૂજન સમારોહમાં સંસદસભ્ય શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, હળવદ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી ફોરમબેન વિશાલભાઈ રાવલ અને હળવદ તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી શીતલબેન એ. કણઝરિયા , ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા, અગ્રણીશ્રી તપનભાઈ દવે, દીપકદાસજી મહારાજ, રણછોડભાઈ દલવાડી, જયેશભાઈ પટેલ, રમેશ ભાઈ કંઝરિયા, પરસોતમભાઈ સાબરીયા, રજનીભાઈ સંઘાણી, નગર પાલિકા ઉપપ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી તથા સદસ્યશ્રી નગર પાલિકાના ચેરમેન સહિતના આગેવાનો તથા નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ. અનિલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ભૂમિપૂજનની શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિ જયેન્દ્ર ભાઈ ઉર્ફ લાલાભાઈ જાની દ્વારા સંપન્ન કરવામાં આવી હતી.













