દુર્ગા પૂજાના સાતમા દિવસે સપ્તમીની સાંજે કોલકાતામાં દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તર કોલકાતામાં ચોરબાગન જાહેર પૂજા મંડપનો એક ભાગ ભીડના દબાણ હેઠળ તૂટી પડ્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં 19 લોકો મોત થયા છે. જ્યારે બે ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ, ચોરબાગન પૂજા સમિતિના મહાસચિવ અને અધિકારીઓએ રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના નેતાઓએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ચોરબાગન પૂજા પંડાલમાં થયેલા અકસ્માતને ખૂબ જ દુ:ખદ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે, ‘સાંજે 7:30 થી 8:00 વાગ્યાની વચ્ચે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક કે બેની હાલત ગંભીર છે. પૂજા પંડાલમાં માઇક્રોફોન પર જાહેરાત કર્યા પછી ભાગદોડ અથવા ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે સરકારની પ્રાથમિકતા ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવાની અને મૃતકોના પરિવારો સાથે ઊભા રહેવાની છે.’
મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ તમામ પૂજા સમિતિઓને પોલીસને સહયોગ કરવા અને પ્રવેશ-બહાર નીકળવાની કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અપીલ કરી. આજે યોજાનાર તેમના તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. ઘટનાની તપાસ માટે એક તથ્ય શોધ સમિતિની રચના કરવામાં આવશે. કોલકાતા પોલીસને પૂજા સમિતિના સભ્યો અને સુરક્ષા કર્મચારીઓની પૂછપરછ કરવા અને સીસીટીવી ફૂટેજ સાચવવા સૂચના આપવામાં આવી છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), ફોરેન્સિક ટીમો અને ફાયર બ્રિગેડ ઘટનાની તપાસ કરી રહી છે.
કોલકાતામાં સર્જાયેલી ભાગદોડની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. PMO દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાથી અત્યંત દુઃખ થયું છે. વડાપ્રધાને આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરી છે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહી છે. વડાપ્રધાને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારજનને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.










