બોલિવૂડ જગતમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રવિવારની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં પ્રખ્યાત અભિનેતા ટાઇગર શ્રોફ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. સદનસીબે આ હુમલામાં ટાઇગર શ્રોફ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લૉરેન્સ બિન્નોઇ ગેંગના સભ્યો એવા વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર અનિલ પંડિત અને હરમન સંધુના નામથી આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે, જોકે આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ હજુ થઇ નથી.

ઝોન-1, પશ્ચિમ ક્ષેત્રના ડીસીપી મોહિત ગર્ગે સ્પષ્ટ કર્યું છે કે ટાઇગર શ્રોફ સુરક્ષિત છે અને આ ફાયરિંગની ઘટનામાં તેમને કોઈ નુકસાન કે ઈજા પહોંચી નથી. આ ઉપરાંત અભિનેતાના પિતા અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની ટીમ તરફથી પણ પુષ્ટિ કરવામાં આવી છે કે ટાઇગર તદ્દન સ્વસ્થ અને સુરક્ષિત છે.
ફાયરિંગની આ ગંભીર ઘટના બાદ મુંબઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની શોધખોળ તેજ કરી દીધી છે. મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસની 12 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ હુમલા પાછળના વાસ્તવિક કારણો અને ગુનેગારોને ઝડપી પાડવા માટે તમામ ટેક્નિકલ અને ભૌતિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.
લૉરેન્સ બિશ્નોઇ ગેંગના નામે વાયરલ થયેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અગાઉ પણ ટાઇગર શ્રોફને ફોન પર ધમકી આપવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “આજે આ ટાઇગર શ્રોફ પર હુમલો થયો છે, જેની જવાબદારી અનિલ પંડિત અને હરમન સંધુ લઈએ છીએ. મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ અમારી વાત નહીં માને કે સલમાન ખાન સાથે કામ કરશે, તેનું આગામી પરિણામ ભોગવવું પડશે.”
ફાયરિંગની આ ઘટના પાછળનું મુખ્ય કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરી છે. હુમલાખોરો ફાયરિંગ કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાથી પોલીસ આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે. આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમો બનાવીને દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
પ્રાથમિક વિગતો અનુસાર આ ફાયરિંગમાં ટાઇગર શ્રોફના ડ્રાઇવરને ઇજા થઇ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ટાઇગર સંપૂર્ણ સલામત છે. પોલીસના વિસ્તૃત નિવેદન બાદ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે. હાલ પોલીસ પણ ઘટના અંગે જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે. સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.










