તારીખ ૦૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એટલે કે ૨ ઓક્ટોબરના પવિત્ર દિવસે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન સહિત વિવિધ રચનાત્મક અને જાગૃતિમૂલક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અવસરે સદભાવના મિશન કલાસ બહારપુરા, ગોધરા ખાતે અભ્યાસ કરતા બાળકોએ પણ અનોખી અને સર્જનાત્મક રીતે મહાત્મા ગાંધીજીના વિચારોને ચિત્રો અને રંગપૂરણીના માધ્યમથી સાકાર કરી દેશવાસીઓને એક સુંદર સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.
સદભાવના મિશન કલાસ દ્વારા બાળકોમાં માત્ર શૈક્ષણિક જ્ઞાનનો વિકાસ જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યો, સામાજિક જવાબદારી, રાષ્ટ્રીય ભાવના અને જીવનલક્ષી સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી સમયાંતરે વિવિધ શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ જ અભિગમના ભાગરૂપે ૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાનને કેન્દ્રમાં રાખીને બાળકો માટે વિશેષ ચિત્ર અને રંગપૂરણી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ પ્રવૃત્તિમાં બાળકોએ પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા સ્વચ્છતાનું મહત્વ દર્શાવતાં વિવિધ ચિત્રોમાં રંગો પૂરીને સુંદર સંદેશ રજૂ કર્યો હતો. બાળકોને ચિત્રો દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર વ્યક્તિગત ટેવ નથી, પરંતુ દેશના દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. આપણું ઘર, શાળા, મહોલ્લો, ગામ અને શહેર સ્વચ્છ રાખવાની શરૂઆત આપણે પોતાનાથી જ કરવી જોઈએ.
બાળકોએ મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને પોતાના ચિત્રો દ્વારા રજૂ કરતાં સત્ય, અહિંસા, સ્વચ્છતા અને શિક્ષણ જેવા આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગાંધીજી હંમેશાં સ્વચ્છતા, સાદગી, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનો સંદેશ આપતા હતા. તેમના આ વિચારો આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે. બાળકોમાં નાનપણથી જ આવા વિચારોનું બીજ રોપાય તો આવનારી પેઢી જવાબદાર, સંસ્કારી અને જાગૃત નાગરિક બની શકે છે.
ઉલ્લેખનીય છે કે સદભાવના મિશન કલાસ બહારપુરા, ગોધરા છેલ્લા ૧૬ વર્ષથી શિક્ષણક્ષેત્રે એક ઉમદા સેવાકાર્ય કરી રહ્યું છે. આ સંસ્થા દ્વારા ગરીબ, અનાથ, આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગના તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા બાળકોને ધોરણ ૧ થી ૧૦ સુધીનું નિઃશુલ્ક સાંજનું ઇવનિંગ કોચિંગ શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે અને આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ બાળકનું ભવિષ્ય અંધકારમય ન બને તેવા ઉમદા હેતુ સાથે આ સેવાકાર્ય સતત આગળ વધી રહ્યું છે.










