
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચલામલી ગામે કરિયાણાની દુકાનમાં આગ લગાવી અંદર રહેલા સામાનને નુકસાન પહોંચાડવાના ગુનાનો બોડેલી પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ તા.23/09/2026ની રાત્રિના સમયે ફરિયાદીની કરિયાણાની દુકાનના શટર આગળ જવલનશીલ પદાર્થ છાંટી આગ લગાવવામાં આવી હતી, જેના કારણે દુકાનની અંદર રહેલા સામાનને આશરે રૂ.70 હજારનું નુકસાન થયું હતું. આ અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 326(એ), 326(બી) અને 238(1)(2) મુજબ ગુનો નોંધાયો હતો. બોડેલી પોલીસ ઈન્સ્પેક્ટર પી.એસ.બરંડાના માર્ગદર્શન હેઠળ પોલીસે હ્યુમન સોર્સિસ તેમજ ટેક્નિકલ એનાલિસિસની મદદથી તપાસ હાથ ધરી આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે આ ગુનામાં સુનિલકુમાર અંબુભાઈ કોળી, મુકેશભાઈ દલસુખભાઈ તડવી અને જયપાલભાઈ મંગુભાઈ તડવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી








