વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારા ખાતે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે. સાપુતારા બસ સ્ટેશન ખાતે બેભાન અવસ્થામાં મળી આવેલા આંધ્રપ્રદેશના એક અજાણ્યા ઇસમને પોલીસની ટીમે તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી સારવાર અપાવી હતી. સમયસર સારવાર મળતાં ઇસમ ભાનમાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વિજયાદશમીના તહેવારને અનુલક્ષીને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષકો કે. આર. ડીમરી અને જનેશ્વર નલવૈયા દ્વારા સાપુતારા પોલીસને સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે સાપુતારા પોલીસ મથકના પી.આઈ. જે.કે. બારિયાની ટીમ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દરમિયાન, ગત તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજના સમયે સાપુતારા બસ સ્ટેશન ખાતે એક અજાણ્યો ઇસમ બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ ડાયલ ૧૧૨ જનરક્ષકના ઇન્ચાર્જ અ.પો.કો. નીતિશભાઈ પદમાભાઈ (બ.નં. ૨૩૩)ને તેમના મોબાઇલ પર આવેલા ફોન દ્વારા કરવામાં આવી હતી. માહિતી મળતાં જ સાપુતારા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બેભાન ઇસમને વિલંબ કર્યા વિના સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને જરૂરી સારવાર આપવામાં આવતાં તે ભાનમાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં ઇસમે પોતાનું નામ જયકુમાર અને પોતે આંધ્રપ્રદેશના વિજયવાડાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેની સાથે કોઈ સગાંસંબંધીઓ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સાપુતારા પોલીસની આ કામગીરીમાં સમયસૂચકતા, સેવાભાવના અને માનવજીવન પ્રત્યેની સંવેદનશીલતા જોવા મળી હતી. પોલીસની ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ જરૂરિયાતના સમયે નાગરિકોની મદદ કરી માનવજીવનની રક્ષા કરવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે, તે આ ઘટનાથી સાબિત થાય છે.
સાપુતારા પોલીસની આ માનવતાભરી કામગીરીની સરાહના થઈ રહી છે.









