વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ પોતાના પ્રશ્નો, ફરિયાદો અને રજૂઆતો રજૂ કરી હતી. કલેક્ટરશ્રીએ અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનું નિયમોનુસાર અને સમયબદ્ધ નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નવસારી મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પ્રાંત કચેરી, પોલીસ વિભાગ, તાલુકા પંચાયત, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન કચેરી, જળ અને સ્વચ્છતા એકમ, મામલતદાર કચેરી, ડ્રેનેજ વિભાગ તેમજ બીલીમોરા નગરપાલિકા સહિતના વિવિધ વિભાગોને લગતા કુલ ૩૭ પ્રશ્નો રજૂ થયા હતા.
કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ અરજદારોની રજૂઆતોને સંવેદનાપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રશ્નો અંગેની વિગતો અને હકીકતલક્ષી માહિતી મેળવી હતી. દરેક રજૂઆતનો નિયમોનુસાર અભ્યાસ કરી અરજદારોને યોગ્ય ન્યાય મળે અને તેમના પ્રશ્નોનો સમયસર નિકાલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમના માધ્યમથી નાગરિકોની સમસ્યાઓનું જિલ્લા કક્ષાએ નિરાકરણ લાવવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે અને તેમની રજૂઆતોનો નિયમોનુસાર ઝડપી નિકાલ થાય તે માટે લોકાભિમુખ તથા જવાબદાર વહીવટને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી જે. એન. લિખિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શ્રીમતી ખ્યાતી પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










