વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

જય અંબે યુવક મંડળના ગરબા મહોત્સવમાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સહિત આગેવાનોની ઉપસ્થિતિથી ઉત્સવનો માહોલ જામ્યો
નવરાત્રીના પાવન પર્વે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના સંગમ સમાન ગરબા મહોત્સવમાં લાકડબારી ગામે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચીખલી સીમાડા પર આવેલા લાકડબારી ગામના બડીપાડા ઉપલા ફળિયામાં જય અંબે યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ લીરીલ પટેલે ઉપસ્થિત રહી માતાજીના ગરબે ઘૂમી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
મંડળ દ્વારા પાઠવવામાં આવેલા આમંત્રણને માન આપીને લીરીલ પટેલ સાથે વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિનભાઈ માહલા પણ મહોત્સવમાં જોડાયા હતા. બંને આગેવાનોએ ગરબા રમીને ઉપસ્થિત ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે લીરીલ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રીના ગરબા અને રાસ માત્ર પરંપરાગત નૃત્ય નથી, પરંતુ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા, શક્તિની ઉપાસના અને સામૂહિક એકતાનું પ્રતીક છે. આવા ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો સમાજમાં ભાઈચારો તથા સંસ્કૃતિ પ્રત્યેની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
ગરબા મહોત્સવને સફળ બનાવવા ગામના ઉપસરપંચ ઉત્તમભાઈ, માજી ઇન્કમટેક્સ ઓફિસર રમેશભાઈ ગાવીત, જેસિંગભાઈ ચૌધરી, રાકેશભાઈ ગાવીત, પ્રકાશભાઈ સહિતના આગેવાનોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમમાં મંડળના સભ્યો અમરતભાઈ, સંદીપભાઈ, ભાણાભાઈ, હિરેનભાઈ, અરવિંદભાઈ સહિત ગામની બહેનો અરુણાબેન, હંસાબેન, સુકરીબેન, લીલાબેન અને મનિષાબેન સાથે વડીલો, યુવાનો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે યોજાયેલા આ ગરબા મહોત્સવે ગામમાં નવરાત્રીના રંગને વધુ ઘેરો બનાવ્યો હતો.









