રમત-રમતમાં જ્ઞાન સાથે બાળકોના સર્વાંગી વિકાસનો સંદેશ વિજાપુર-કુકરવાડાની આંગણવાડી કેન્દ્રોમાં મંગળ દિવસની ઉજવણી, કીટ નિદર્શન અને વાલી મીટિંગ યોજાઈ


વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગના ઘટક વિજાપુર તથા કુકરવાડા હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રોમાં મંગળ દિવસની ઉજવણી સાથે કીટ નિદર્શન અને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંગળ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને રમત-ગમત અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આનંદપૂર્વક શીખવાની તક આપવાનો તેમજ તેમના શારીરિક, બૌદ્ધિક, ભાષાકીય, સામાજિક અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ વાલીઓને બાળકના સર્વાંગી વિકાસમાં આંગણવાડીની ભૂમિકા અંગે માહિતગાર કરી તેમની સહભાગિતા વધારવાનો હેતુ રહેલો છે.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આપવામાં આવેલી કીટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કીટમાં બાળકો રમત-રમતમાં જ્ઞાન મેળવી શકે તેવા વિવિધ શૈક્ષણિક રમકડાં અને સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકોની વય અનુસાર રમત-ગમત ભાગ-1 અને ભાગ-2, ચિત્રપોથી તથા ‘મારી વિકાસયાત્રા’ બુકલેટ રજૂ કરવામાં આવ્યા હતા.
‘મારી વિકાસયાત્રા’ બુકલેટના માધ્યમથી બાળકના સર્વાંગી વિકાસનું અવલોકન કરવામાં આવે છે. આ ઉપરાંત પોર્ટફોલિયો બેગ અને પુસ્તકમાં બાળકો દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ તથા કામગીરીના નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની 17 થીમ આધારિત TLM (Teaching Learning Material) પણ વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. વાલી મીટિંગ દરમિયાન વાલીઓને ‘મારી વિકાસયાત્રા’ અંગે સમજ આપવામાં આવી તેમજ બાળકોના વિકાસમાં વાલીઓની ભૂમિકા અંગે માર્ગદર્શન અપાયું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં વાલીઓ તથા આઈ.સી.ડી.એસ. સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈ કીટનું નિદર્શન નિહાળ્યું હતું.









