WAKANER:વાંકાનેરના રાતીદેવડી ગામે દુકાન પાસે બેઠેલા પ્રૌઢ પર પથ્થરમારો: નાકના ભાગે ફ્રેક્ચર થતાં બે શખ્સો સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે દુકાન પાસે બેઠેલા ૬૩ વર્ષીય પ્રૌઢ પર ગામના જ બે શખ્સોએ હુમલો કરી પથ્થરમારો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ પથ્થરમારામાં પ્રૌઢને નાકના ભાગે ગંભીર ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગતો અનુસાર, રાતીદેવડી ગામે રહેતા અમૃતભાઈ મેઘજીભાઈ વોરા (ઉં.વ. ૬૩) પોતાના પિતાની દુકાનના પગથિયાં પર બેઠા હતા. તે દરમિયાન ગામના જ પ્રકાશ ઉર્ફે પિંટુભાઈ લાલજીભાઈ વોરા તથા ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા હાથમાં લાકડીના ધોકા સાથે ધસી આવ્યા હતા. બંને શખ્સોએ બજારમાં હાજર સાથી બાવજીભાઈ વોરાને બેફામ ગાળો આપી બજારમાંથી છૂટા પથ્થરો ઉપાડી મારવા દોડ્યા હતા.આ દરમિયાન આરોપીઓએ ફેંકેલા પથ્થરના ઘા દુકાન પાસે બેઠેલા અમૃતભાઈ વોરાને ડાબી આંખ નીચે તેમજ નાકના ભાગે વાગ્યા હતા. જેના પગલે તેમને આંખ નીચે ઈજા પહોંચી હતી અને નાકના ભાગે ફ્રેક્ચર થયું હતું.આ બનાવ અંગે ઈજાગ્રસ્ત અમૃતભાઈ વોરાએ પ્રકાશ ઉર્ફે પિંટુ અને ભરત ઉર્ફે ગોપી સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.











