જામનગરમાં કાલાવડ નાકા બહાર કેનાલમાં કચરો કાઢવા ગયેલું જેસીબી ખૂંપ્યું, બહાર કાઢવા ગયેલું બીજું જેસીબી પણ ફસાયું

જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર શહેરમાં પડેલા વરસાદ બાદ કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલી કેનાલમાં પાણીનો ભરાવો થયો હતો. કેનાલમાં મોટી માત્રામાં કચરો એકત્ર થઈ જતાં વહેલી સવારે કચરો દૂર કરવા માટે તંત્ર દ્વારા જેસીબીની મદદ લેવામાં આવી હતી. જોકે, કચરો દૂર કરવાની કામગીરી દરમિયાન જેસીબી કેનાલની અંદર ખૂંપી જતાં તંત્ર સામે મુશ્કેલી સર્જાઈ હતી.
પ્રથમ જેસીબીને બહાર કાઢવા માટે બીજા જેસીબીની મદદ લેવામાં આવી હતી, પરંતુ તેને બહાર કાઢવાની કામગીરી દરમિયાન બીજું જેસીબી પણ કેનાલમાં ફસાઈ ગયું હતું. પરિણામે કચરો દૂર કરવાની કામગીરીની જગ્યાએ બંને જેસીબીને બહાર કાઢવાની કવાયત હાથ ધરવી પડી હતી. ભારે વરસાદ બાદ પાણી અને કાદવના કારણે કેનાલ વિસ્તારમાં કામગીરી મુશ્કેલ બની હતી. તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી બંને જેસીબીને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.










