વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તેમજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ‘રન ફોર યુનિટી’ માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારી ખાતે રુટ અનુસાર સર્કિટ હાઉસ ખાતેથી ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ, મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા કલેકટર મનીષ ગુરવાની સહિતના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ‘એકતા’ દોડને લીલી ઝંડી આપીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. દેશ અને રાજ્ય વ્યાપી કાર્યક્રમોના અનુસંધાને નવસારી ખાતે યુનિટી માર્ચ સર્કિટ હાઉસથી પ્રારંભ થઈ બાબા આંબેડકર પ્રતિમા, ચારપુલ પોલીસ ચોકી થઈને શહીદ ચોક ખાતે દેશભક્તિના નારાઓ અને રાષ્ટ્રીય એકતાના સૂત્રો સાથે સંપન્ન થઈ હતી.
આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન અદ્વિતીય અને સદાકાળ અવિસ્મરણીય રહેશે. આઝાદીના સમયે જટિલ પરિસ્થિતિઓ વચ્ચે દેશના ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરાવીને તેમણે અખંડ ભારતના ભવ્ય રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. તેમની અજોડ કુનેહ, પ્રખર રાષ્ટ્રભક્તિ અને વહીવટી દીર્ઘદ્રષ્ટિને કારણે જ આજે ભારત એક સૂત્રે બંધાયેલું અને મજબૂત રાષ્ટ્ર બની શક્યું છે. તેમનું જીવન અને કાર્યો સમગ્ર દેશને હંમેશા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવાની સતત પ્રેરણા આપતા રહે છે.
દેશપ્રેમના આ અનેરા મહોત્સવ સમાન ‘રન ફોર યુનિટી’ માર્ચમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોએ સામુહિક રીતે રાષ્ટ્રપ્રેમ અને એકતાના શપથ લીધા હતા.
આ ‘એકતા’ દોડમાં મહાનગરપાલિકા કમિશ્નર શ્રી જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઈ, અગ્રણી શ્રી ભુરાભાઇ શાહ સહિત વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પોલીસના જાંબાઝ જવાનો, યુવાનો, એન.એસ.એસ. (NSS) ના સ્વયંસેવકો, સરકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને ભાઈ-બહેનોએ ‘રન ફોર યુનિટી’ માર્ચમાં ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર નવસારી શહેરને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું.










