દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૮ હજારથી વધુ ખેડૂત કુટુંબોને ૧૩ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયું

જામનગર
(નયના દવે દ્વારા)
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ એ.પી.એમ.સી. ખંભાળિયા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ગૌરીબેન હાથિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
પી.એમ. કિસાન સમ્માન નિધિના ૨૪માં હપ્તાની ચૂકવણીનો કાર્યક્રમ બનાસકાંઠા ખાતે પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. જેની સાથે સાથે દેવની દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ કિસાન સમ્માન દિવસ કાર્યક્રમો દ્વારા ખેડૂતો આ મુખ્ય ઉજવણી સાથે જોડાયાં હતા. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૮ હજારથી વધુ ખેડૂત કુટુંબોને ૧૩ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયું હતું.
એ.પી.એમ.સી. ખાતે કાર્યક્રમની શરૂઆત મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતો. એ.પી.એમ.સી. વતી અગ્રણી શ્રી પી.એસ. જાડેજા અને હોદ્દેદારોએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ ગામોના ખેડૂતોને ટ્રેક્ટર, રોટાવેટર વગેરે કૃષિ યાંત્રિક સાધનોની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડૂતોને કિસાન કલ્યાણ યોજનાઓ, ફાર્મર રજિસ્ટ્રી, પ્રાકૃતિક ખેતીને લગતા વિડિઓ દર્શાવવામાં આવ્યાં હતાં. વિવિધ સ્ટોલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સ્વ સહાય જૂથ, બેંક, વગેરેના સ્ટોલ દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. મહાનુભાવો ખેડૂતો સાથે પ્રધાનમંત્રીશ્રીના લાઇવ કાર્યક્રમમાં જોડાયાં હતાં અને મુખ્યમંત્રીશ્રી તેમજ પ્રધાનમંત્રીશ્રીનું ઉદબોધન નિહાળ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણજારિયા, ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરા, નગરપાલિકા પ્રમુખશ્રી વિજયભાઈ કણજારિયા, અગ્રણીશ્રી મયુરભાઇ ગઢવી સહિતના સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.પી. જોષી, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૦૦૦










