બાંગ્લાદેશમાં ફરી ભારત વિરોધી સૂત્રોચ્ચાર !!!

બાંગ્લાદેશમાં વડાપ્રધાન તારિક રહમાનની સરકાર સામે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ફરી એકવાર ભારત વિરોધી સૂત્રોચ્ચાર ગૂંજ્યા છે. રાજધાની ઢાકામાં નેશનલ સિટિઝન પાર્ટી (NCP) દ્વારા યોજાયેલી વિશાળ રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં દેશમાં વધતી મોંઘવારી, વીજ સંકટ અને ગેસની અછત મુદ્દે સરકારને ઘેરવામાં આવી હતી, સાથે જ ‘દિલ્હી નહીં, ઢાકા’ના નારા લગાવીને ભારત સામે ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો.

NCP નેતા નાહિદ ઇસ્લામે રેલીને સંબોધતા ભારત પર બાંગ્લાદેશ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે હાલની સરકાર બાંગ્લાદેશને ભારતના ષડયંત્રો સામે બચાવી શકશે નહીં. આ ઉપરાંત તેમણે સરહદ પર હત્યાઓ, આસામ અને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો સાથે ભેદભાવ તથા દિલ્હીમાં મસ્જિદો તોડવાનું આયોજન હોવા જેવા ગંભીર દાવા પણ કર્યા હતા.

નાહિદ ઈસ્લામે ગંગા જળ વહેંચણી કરારનો મુદ્દો ઉઠાવતા ચેતવણી આપી હતી કે, જો ભારત સાથે આ કરાર પર ન્યાયી રીતે ફરી વાટાઘાટો નહીં થાય તો બાંગ્લાદેશની જનતા ફરી રસ્તા પર ઉતરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા જળ વહેંચણી અંગે થયેલો 30 વર્ષનો ઐતિહાસિક કરાર ડિસેમ્બર 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે, જે અંતર્ગત દર વર્ષે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન પશ્ચિમ બંગાળના ફરક્કા બેરેજ પરથી પાણીની વહેંચણી કરવામાં આવે છે. બાંગ્લાદેશમાં પદ્મા તરીકે ઓળખાતી ગંગા નદી પર લાખો લોકોની આજીવિકા નિર્ભર હોવાથી આ કરાર અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

ઢાકાના નેશનલ મ્યુઝિયમ સામે યોજાયેલી આ રેલીમાં પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોને જોડતા સિલીગુડી કોરિડોર અંગે વિવાદાસ્પદ નિવેદનો આપનાર NCP સાંસદ હસનત અબ્દુલ્લા પણ સામેલ થયા હતા. શેખ હસીનાની સરકારના પતન બાદથી જ બાંગ્લાદેશમાં ભારત વિરોધી સૂર તેજ બન્યા હતા, જે ફરી એકવાર રાજકીય રેલીઓમાં ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે.

બાંગ્લાદેશ હાલ ગંભીર આર્થિક અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. દેશ પોતાની જરૂરિયાતનું 90 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ અને આશરે 30 ટકા ગેસ આયાત કરે છે, જેના કારણે વીજળી કાપની સીધી અસર કાપડ ઉદ્યોગ પર પડી છે. વિશ્વ બેંકના આંકડા મુજબ 2026માં મોંઘવારી દર આશરે 8.5 ટકા રહ્યો છે અને ગત વર્ષની સરખામણીએ લગભગ 21 લાખ લોકો વધુ ગરીબીમાં ધકેલાયા છે. રેલીમાં નેતાઓએ કોલકાતાની સરખામણીએ બાંગ્લાદેશમાં એલપીજી સિલિન્ડર બમણા ભાવે મળતો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ગૃહમંત્રી સલાહુદ્દીન અહેમદ અને ઊર્જા મંત્રી ઈકબાલ હસન મહમૂદ ટુકો પોતાની ફરજમાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ મૂકીને NCP એ તેમના તાત્કાલિક રાજીનામાની માગ કરી છે. નેતાઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મંત્રીઓ રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે અને વડાપ્રધાન તારિક રહમાનના સત્તાવાર આવાસનો ઘેરાવ કરવામાં આવશે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો