મધ્ય પ્રદેશમાં ગરીબ અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની દીકરીઓના લગ્ન માટે ચલાવવામાં આવતી ‘મુખ્યમંત્રી કન્યાદાન યોજના’માં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના વિદેશા જિલ્લામાં થયેલા આશરે ₹30.18 કરોડના કૌભાંડ મામલે EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સિરોંજ જનપદ પંચાયતના તત્કાલીન CEO શોભિત ત્રિપાઠી અને તેમના સહયોગી હેમંત સાહૂની ₹5.37 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સિરોંજ જનપદ પંચાયતના તત્કાલીન CEO શોભિત ત્રિપાઠીએ વર્ષ 2019થી નવેમ્બર 2021 દરમિયાન અન્ય લોકો સાથે મળીને 5,923 બોગસ લગ્ન દર્શાવ્યા હતા. રાજ્ય સરકારની આ યોજના હેઠળ નોંધાયેલા ગરીબ શ્રમિકોની દીકરીઓના લગ્ન માટે ₹51,000ની આર્થિક સહાય આપવામાં આવતી હતી. આ કૌભાંડમાં અપાત્ર લોકોના નામે બોગસ અરજીઓ અને દસ્તાવેજો તૈયાર કરીને બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે કોરોના લોકડાઉન દરમિયાન જ્યારે જાહેર લગ્નપ્રસંગો પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, ત્યારે પણ આ બોગસ ખાતાઓમાં યોજનાના કરોડો રૂપિયા જમા કરાવીને રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી.










