નર્મદા : એકતનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹૪૨૬.૭૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

રાજપીપલા : જુનેદ ખત્રી
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કુલ ₹૪૨૬.૭૦ કરોડના ૨૫ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ₹૩૦૭.૮૦ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૧૯ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ₹૧૧૮.૯૦ કરોડના ખર્ચે ૬ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

*₹૧૧૮.૯૦ કરોડના ૬ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત*
વડાપ્રધાનના હસ્તે ₹૧૧૮.૯૦ કરોડના ખર્ચે વિવિધ ૬ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ₹૫૯.૩૦ કરોડના ખર્ચે ગોરા-ભદ્રા રોડનું નિર્માણ, ₹૩૬.૬૦ કરોડના ખર્ચે સ્માર્ટ ઝીરો વેસ્ટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ₹૭.૭૦ કરોડના ખર્ચે ખલવાની બ્રિજનો વિકાસ, ₹૫.૨૦ કરોડના ખર્ચે ખલવાની ઇકો ટુરિઝમનો વિકાસ તથા ₹૪.૩૦ કરોડના ખર્ચે નર્મદાના પાણીથી વિવિધ તળાવો ભરવાના કાર્યનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ₹૫.૮૦ કરોડના ખર્ચે વિવિધ માળખાગત સુવિધાઓનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડનનો સંકલિત વિકાસ, રેઇન ફોરેસ્ટ નજીક વાઘડિયા રોડનું પહોળાઈકરણ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સુવિધાનો સમાવેશ થાય છે.
*₹૩૦૭.૮૦ કરોડના ૧૯ વિકાસકાર્યોનું લોકાર્પણ*
વડાપ્રધાનના હસ્તે ₹૩૦૭.૮૦ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલા કુલ ૧૯ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ₹૫૦ કરોડના ખર્ચે IRCTC હોટલ, ₹૪૫.૫૦ કરોડના ખર્ચે ૬ એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ) અને ₹૨૧.૪૦ કરોડના ખર્ચે ૧૦.૫ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જળ શુદ્ધિકરણ પ્લાન્ટ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ₹૨૮.૨૦ કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટર્સની સુવિધાનો વિસ્તાર, ₹૨૭.૯૦ કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફસાડ લાઇટિંગ, ₹૨૩.૮૦ કરોડના ખર્ચે પરેડ ટ્રેક અને તેને સંલગ્ન વિકાસકાર્યો તેમજ ₹૨૩ કરોડના ખર્ચે ૨૪ મીટર પહોળા કોલોની રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી ₹૧૬ કરોડના ખર્ચે ૬૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી બોટ, ₹૧૫ કરોડના ખર્ચે ઘાટનો વિસ્તાર અને સૌંદર્યીકરણ, ₹૧૪.૩૦ કરોડના ખર્ચે રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ, ₹૧૪.૩૦ કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ તથા ₹૬.૨૦ કરોડના ખર્ચે મોખડી ખાતે ટર્મિનલ બિલ્ડિંગ અને જેટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે ₹૪.૩૦ કરોડના ખર્ચે વિવિધ માળખાગત સુવિધાઓનાં વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરાયું હતું. જેમાં એકતાનગરના વિવિધ સ્થળોએ વોટર સ્ટેશનની સુવિધા, રેલવે સ્ટેશનથી વિઝિટર સેન્ટર સુધી વોકવેનો વિસ્તાર, એકતાનગરમાં ફુવારા, હાઈ લેવલ ગોરા બ્રિજના ઢોળાવ પર જીઓસેલની સ્થાપના તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર-૮ ખાતે રોડનું નિર્માણ સામેલ છે.
અન્ય વિકાસકાર્યોમાં ₹૩.૭૦ કરોડના ખર્ચે ઇકો ટ્રેઇલનો વિકાસ, ₹૩.૬૦ કરોડના ખર્ચે ગ્લો ગાર્ડનનું અપગ્રેડેશન, ₹૩.૫૦ કરોડના ખર્ચે CISF બેરેકનો વિકાસ, ₹૩ કરોડના ખર્ચે એકતાનગરના વિવિધ સ્થળોએ શિલ્પોની સ્થાપના, ₹૨.૨૦ કરોડના ખર્ચે ૨ વિસ્ટાડોમ બસ અને ₹૨.૧૦ કરોડના ખર્ચે ૨ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એકતાનગર ખાતે કુલ ₹૪૨૬.૭૦ કરોડના ખર્ચે ૨૫ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો થકી એકતાનગરમાં પ્રવાસન સુવિધાઓનું વિસ્તરણ, આધુનિક માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.










