યોગેશ કાનાબાર રાજુલા


ઉદ્યોગ મંદિર ખાતે SRP જૂથ-21 દ્વારા શપથગ્રહણ, માર્ચપાસ્ટ પરેડ અને શસ્ત્ર પ્રદર્શન યોજાયું
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહાનુભાવો અને નગરજનોએ લીધો ભાગ
રાજુલા, તા. 31 ઓક્ટોબર: ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજુલા શહેરના ઉદ્યોગ મંદિર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજુલા શહેરમાં પ્રથમવાર આ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શપથગ્રહણ સમારોહ, શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ પરેડ અને આકર્ષક શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમનું આયોજન રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-21, બાલાનીવાવ, અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી આર.પી. પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને નગરજનોને રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક માર્ચપાસ્ટ પરેડ યોજવામાં આવી હતી. સાથે જ વિવિધ પ્રકારનાં શસ્ત્રોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. શસ્ત્ર પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉમટી પડ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા વિવિધ શસ્ત્રો અને તેની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ સોલંકી, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, શ્યામલભાઈ રાચયા, મનુભાઈ ધાખડા, દિલુભાઈ વરુ, વિપુલભાઈ ડોક્ટર, ડૉ. વાઘમશી, પત્રકાર કનુભાઈ વરુ, પત્રકાર યોગેશભાઈ કાનાબાર, સાગરભાઈ સરવૈયા, વીરભદ્રભાઈ ડાભીયા, જીગ્નેશભાઈ પટેલ, મુકેશભાઈ અને મહેશભાઈ ટાંક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં ડીવાયએસપી આર.પી. પટેલ, પી.એસ.આઈ. એ.આર. ગુંડુગરા, પી.એસ.આઈ. પી.ડી. ચાવડા અને પી.એસ.આઈ. જે.આર. કતીરા સહિતના પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંઘવી શાળા નંબર-4ના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ રાજ્ય અનામત પોલીસ દળની સમગ્ર ટીમે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી યોજાયેલા આ કાર્યક્રમથી ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને રાષ્ટ્રસેવાની ભાવનાનો સંદેશ પ્રસર્યો હતો. રાજુલા શહેરમાં પ્રથમવાર યોજાયેલા આ વિશેષ કાર્યક્રમને નગરજનો અને વિદ્યાર્થીઓ તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.
યોગેશ કાનાબાર રાજુલા









