કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ચીફ અભિજિત દીપકે દ્વારા મહારાષ્ટ્રની ભાજપ સરકાર સામે નવું આંદોલન કરવાની ઘોષણા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ(MPSC) પરીક્ષાઓમાં પેપર લીક અને ઓનલાઇન પરીક્ષાઓમાં અનિયમિતતા વિરુદ્ધ આ આંદોલન કરવામાં આવશે.

કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકે અને અન્ય નેતાઓ MPSC દ્વારા યોજાતી ઓનલાઇન પરીક્ષાઓમાં પેપર લીક અને અનિયમિતતા સામે ચાલી રહેલા પ્રદર્શનમાં જોડાશે. અગાઉ MPSCના કેટલાક અભ્યાર્થીઓએ છત્રપતિ સંભાજીનગરના વાલુજ વિસ્તાર સ્થિત દીપકેના ઘરે તેમની મુલાકાત લીધી હતી, ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી છે.
CJPએ જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે MPSCના અધ્યક્ષ અને સચિવના રાજીનામાની માંગને લઈને આંદોલન આગળ પણ ચાલુ રહેશે. જો 24 સપ્ટેમ્બર સુધીમાં આ માંગણી પૂરી નહીં થાય, તો MPSCના અભ્યાર્થીઓ સાથે મળીને રાજ્યવ્યાપી પ્રવાસ પણ કરવામાં આવશે. દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી રાજીનામું નહીં મળે ત્યાં સુધી તેઓ વિદ્યાર્થીઓની આ લડાઈમાં તેમની સાથે ઊભા રહેશે.
પૂણેમાં MPSCની તૈયારી કરતા 28 વર્ષીય પ્રથમેશ દેશમુખે આત્મહત્યા કરી લીધી હતી. તેના પાસેથી મળેલા સુસાઇડ નોટમાં અંદાજે 2.5 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ હતો. અભિજિત દીપકેએ પ્રથમેશના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે પેપર લીક તથા પરિણામોમાં વિલંબના કારણે વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણને કારણે આ ઘટના બની છે, જે સિસ્ટમ દ્વારા કરાયેલી હત્યા સમાન છે.
અભિજિત દીપકેએ મહારાષ્ટ્રમાં સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહેલા મનોજ જરાંગેની મુલાકાત લઈને તેમને સમર્થન જાહેર કર્યું છે. દીપકેએ સરકાર પર પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે શું સરકાર જરાંગેને સોનમ વાંગચુકની જેમ 26 દિવસ સુધી ભૂખ્યા રાખવા માંગે છે? તેમણે ચેતવણી આપી છે કે જો કોઈએ મનોજ જરાંગેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો તો આખો મહારાષ્ટ્ર મેદાને ઉતરશે.










