રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સેવાનો સંકલ્પ જ્યારે સંસ્કારો સાથે જોડાય છે, ત્યારે એક નાનકડો પ્રયાસ પણ અનેક પરિવારોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. આ ભાવનાને સાકાર કરતાં સીતાવન ગીર ગૌશાળા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની 76 જરૂરિયાતમંદ મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન કરવાનો વિશેષ સેવાસંકલ્પ લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ અમદાવાદના વીંઝોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘ગૌ-માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જરૂરિયાતમંદ મહિલાઓને ગીર ગૌમાતાનું ગૌદાન કરીને ગૌસેવા સાથે મહિલા સશક્તિકરણ અને આજીવિકા સર્જનનો અનોખો સંદેશ આપવામાં આવશે.
દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ તથા તેમના પરિવાર દ્વારા સંચાલિત સીતાવન ગીર ગૌશાળા ગૌસંરક્ષણ, ગૌસંવર્ધન અને ગૌસેવાના ક્ષેત્રે સતત કાર્યરત છે. ગૌશાળાના વિવિધ સેવાકાર્યોના સંકલન અને સંચાલનમાં વૈભવભાઈ પટેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
તાજેતરમાં રાજ્યપાલના હસ્તે સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૌશાળા દ્વારા ગૌસેવાને માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક ભાવના પૂરતી મર્યાદિત ન રાખીને તેને સમાજસેવા, મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને આજીવિકા સર્જન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગૌદાન પાછળનો વિશેષ હેતુ
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર ગૌમાતાનું દાન કરવાનો નથી, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને સ્વરોજગાર અને સ્થાયી આવકનું સાધન ઉપલબ્ધ કરાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. ખાસ કરીને આદિવાસી, બીપીએલ અને જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓને પશુપાલનના માધ્યમથી આર્થિક રીતે સક્ષમ બનાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે.
લાભાર્થી મહિલાઓની પસંદગી માટે સીતાવન ગીર ગૌશાળા પરિવાર દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ગુજરાતના વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં જઈને સંભવિત લાભાર્થી પરિવારોનો સંપર્ક કર્યો હતો. પસંદગીની પ્રક્રિયા દરમિયાન પરિવારની આર્થિક સ્થિતિ, મહિલાની જરૂરિયાત, પશુપાલન માટે ઉપલબ્ધ વ્યવસ્થા તેમજ ગૌમાતાની યોગ્ય સંભાળ રાખવાની ક્ષમતા જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
સ્વસ્થ ગીર ગૌમાતાની પસંદગી માટે વિશેષ પ્રક્રિયા
લાભાર્થી મહિલાઓની પસંદગીની સાથે ગૌમાતાની પસંદગી માટે પણ ગૌશાળા દ્વારા વિશેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ જઈને ગૌમાતાની તંદુરસ્તી, ઉંમર, સ્વભાવ, દૂધ આપવાની ક્ષમતા તેમજ સમગ્ર પશુ આરોગ્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
યોગ્ય ગૌમાતાની પસંદગી કર્યા બાદ જરૂરી પશુચિકિત્સકીય તપાસ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણ તથા સંબંધિત દસ્તાવેજીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે દરેક લાભાર્થી પરિવારને યોગ્ય, સ્વસ્થ અને સરળતાથી સંભાળી શકાય તેવી ગીર ગૌમાતા મળે.
ગૌમાતા સાથે જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે
લાભાર્થી મહિલાઓને માત્ર ગૌમાતા જ નહીં, પરંતુ તેની યોગ્ય સંભાળ માટે જરૂરી પ્રાથમિક સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગૌમાતા સાથે પશુ આહાર, મિનરલ મિશ્રણ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણની વિગતો તથા જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત, ગૌમાતાને માત્ર કાર્યક્રમ સ્થળે લાભાર્થીને સોંપવાને બદલે સન્માનપૂર્વક તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી લાભાર્થી પરિવારને ગૌમાતાની સ્થળાંતર પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓથી રાહત મળશે અને ગૌમાતાની સલામતી પણ જળવાશે.
ગૌદાન બાદ પણ ચાલુ રહેશે સહયોગ
સીતાવન ગીર ગૌશાળા પરિવારનો સેવાભાવ ગૌદાન સાથે પૂર્ણ થવાનો નથી. તમામ 76 લાભાર્થી પરિવારોને ગૌદાન બાદ પણ સમયાંતરે પશુચિકિત્સકીય સહાય અને માર્ગદર્શન આપવામાં આવશે. ગૌમાતાના સ્વાસ્થ્ય અને પોષણ અંગે માર્ગદર્શન, પશુ આહાર અને સંભાળ અંગે જરૂરી માહિતી તેમજ દૂધ ઉત્પાદન અને પશુપાલન વ્યવસ્થાપન અંગે પણ સહયોગ આપવામાં આવશે.
આ રીતે ગૌદાનને એક વખતની સહાય પૂરતી મર્યાદિત ન રાખીને લાભાર્થી પરિવારોને લાંબા ગાળે પશુપાલન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગૌમાતાના યોગ્ય પોષણ અને આરોગ્યની જાળવણી સાથે પરિવારોને નિયમિત આવકનું સાધન મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવાનો પણ ઉદ્દેશ છે.
ગૌસેવા સાથે મહિલા સશક્તિકરણનો સંદેશ
સીતાવન ગીર ગૌશાળા પરિવારનો આ સેવાપ્રયાસ ગૌસેવાને મહિલા સશક્તિકરણ, આજીવિકા સર્જન અને ગ્રામ્ય વિકાસ સાથે જોડવાનો નમ્ર પ્રયાસ છે. જરૂરિયાતમંદ મહિલાઓને સ્વસ્થ ગીર ગૌમાતા ઉપલબ્ધ કરાવી તેમને પશુપાલન ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો આ અભિગમ ગૌસંવર્ધન સાથે સામાજિક જવાબદારીનું પણ ઉદાહરણ પૂરું પાડે છે.
‘ગૌ-માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન’ કાર્યક્રમ દ્વારા ગૌસેવા, સંસ્કાર અને સમાજસેવાને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 76 મહિલાઓને 76 ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન માત્ર સેવા પ્રવૃત્તિ નહીં, પરંતુ જરૂરિયાતમંદ પરિવારોને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો સંકલ્પ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.










