રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
પ્રહલાદનગર વેજિટેબલ માર્કેટ ખાતે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કેન્દ્રનું લોકાર્પણ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજન
અમદાવાદ: અમદાવાદના પ્રહલાદનગર ખાતે આવેલી મ્યુનિસિપલ શાક માર્કેટમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ ઊર્જા મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિત વિવિધ મહાનુભાવો, અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
વેચાણ કેન્દ્રના વિવિધ સ્ટોલની મુલાકાત
લોકાર્પણ બાદ ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત વિવિધ ખાદ્ય પદાર્થો અને અન્ય ચીજવસ્તુઓ અંગે માહિતી મેળવી હતી.
વેચાણ કેન્દ્રમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોને ગ્રાહકો સુધી સીધી પહોંચ મળે તે માટે વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
પોષણયુક્ત અને રસાયણમુક્ત આહાર પર ભાર
આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં એક સાથે અંદાજે 34 સ્થળોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગ અને છેવાડાના નાગરિક સુધી યોગ્ય તથા પોષણયુક્ત આહાર પહોંચાડવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે બદલાતી જીવનશૈલી અને અન્ય પરિબળોને કારણે વિવિધ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ બની રહી છે. રસાયણમુક્ત અને શુદ્ધ ખોરાકના ઉપયોગથી સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી શકે છે અને તેથી પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે.
ખેડૂતોને યોગ્ય બજાર અને ભાવ અપાવવાનો પ્રયાસ
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહે તેમજ પેદાશોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ અને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો ખેડૂતો અને શહેરી ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત આવા કેન્દ્રો દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશો અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ સાત કેન્દ્રો શરૂ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર અને જિલ્લામાં એકસાથે કુલ સાત સ્થળોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં બે કેન્દ્રો ઉપરાંત તાલુકા કક્ષાએ ધોળકા, બાવળા, માંડલ, વિરમગામ અને સાણંદ ખાતે એક-એક કેન્દ્રનો સમાવેશ થાય છે.
આ કેન્દ્રો દ્વારા ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશો સીધી રીતે શહેરી તથા સ્થાનિક ગ્રાહકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી થશે. પરિણામે ખેડૂતોને બજાર ઉપલબ્ધ થવા સાથે ગ્રાહકોને પણ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત વસ્તુઓ મેળવવાનો વિકલ્પ મળશે.
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપતી પહેલ
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને તેના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આવા વેચાણ કેન્દ્રો મહત્વપૂર્ણ બની શકે છે. ખેડૂતોની પેદાશોને યોગ્ય બજાર મળે અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ તથા સ્વીકાર વધે તે દિશામાં આ પહેલ ઉપયોગી સાબિત થવાની અપેક્ષા છે.
કાર્યક્રમ દરમિયાન આત્માના ડાયરેક્ટર કે.કે. પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે અમ્યુકોની પાણી સમિતિના ચેરમેન ધરમશી દેસાઈ, કોર્પોરેટર દેવાંગ દાણી, ભાગ્યેશ પટેલ, નયનાબેન કોટક, સંયુક્ત ખેતી નિયામક ડૉ. મીનાબેન દવે તેમજ પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











