અમદાવાદમાં IAACON 2026નો પ્રારંભ: આધુનિક ટેકનોલોજીથી સાંધાના રોગોની સારવારને મળશે નવી દિશા

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

અમદાવાદ, ૨૩ ઑક્ટોબર

 

અમદાવાદમાં ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન (IAA)ની ૨૨મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદ ‘IAACON 2026’નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ ત્રિદિવસીય પરિષદમાં દેશભરમાંથી આવેલા અગ્રણી ઓર્થોપેડિક સર્જનો, તબીબી નિષ્ણાતો અને સંશોધકો સાંધાના રોગો, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી તથા આધુનિક તબીબી ટેકનોલોજી અંગે જ્ઞાન અને અનુભવોની આપ-લે કરશે.

 

પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક અને આર્થ્રોપ્લાસ્ટી સારવાર માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવતાને પીડામુક્ત કરવાની પવિત્ર સેવા છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિ ગુજરાતમાં દેશ-વિદેશના તબીબી નિષ્ણાતોનું સ્વાગત કરતાં તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પરિષદ દરમિયાન યોજાનારા સંશોધન પત્રોના પ્રસ્તુતીકરણ, જ્ઞાનની આપ-લે અને નિષ્ણાતો વચ્ચેના સંવાદથી ઓર્થોપેડિક સારવાર ક્ષેત્રે નવી દિશાઓ ખુલશે.

 

તબીબી વિજ્ઞાનમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત તબીબોની કુશળતાના સમન્વયથી સારવારની પદ્ધતિઓમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ત્રિપરિમાણીય (3D) ઇમેજિંગ, રોબોટિક સર્જરી અને ગુણવત્તાયુક્ત ઇમ્પ્લાન્ટ્સ જેવી આધુનિક સુવિધાઓથી સાંધા અને હાડકાંની ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીઓની સારવાર વધુ અસરકારક બનાવવાની તકો ઊભી થઈ છે. આવી સારવાર દર્દીઓને ફરીથી સ્વતંત્ર રીતે હલનચલન કરવા અને આત્મનિર્ભર જીવન જીવવા માટે મદદરૂપ બને છે.

 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દર્દીને પીડામાંથી રાહત આપવી અને તેના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો એ તબીબી વ્યવસાયનું મહત્ત્વપૂર્ણ ધ્યેય છે. તબીબી ક્ષેત્રે સંશોધન, નવીનતા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધે તે માટે આવી રાષ્ટ્રીય પરિષદો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તબીબી નિષ્ણાતો વચ્ચેના સંવાદથી સારવારની નવી પદ્ધતિઓ અંગે જાગૃતિ વધે છે અને દર્દીઓને વધુ સારી આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં પ્રગતિ થાય છે.

 

દેશના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન મેડિકલ કોલેજો, તબીબી શિક્ષણની બેઠકો અને હોસ્પિટલોના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. આયુષ્માન ભારત યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને પણ આરોગ્યસેવાઓનો લાભ મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

ગુજરાતમાં તબીબી ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા રાજકોટના નાગલપર ખાતે ૩૩૬ એકર વિસ્તારમાં મેડિકલ ડિવાઇસ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો. આ પ્રોજેક્ટ સર્જિકલ સાધનો અને ઓર્થોપેડિક ઉત્પાદનોના ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસી શકે છે. તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનથી ઉદ્યોગોના વિકાસ, નવીનતા અને આરોગ્યસેવા ક્ષેત્રની ક્ષમતામાં વધારો થવાની સંભાવના છે.

 

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના “યહી સમય હૈ, સહી સમય હૈ”ના સંદેશનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રકારની પરિષદો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ બનશે. તેમણે પરિષદના આયોજકોને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં અને તબીબી ક્ષેત્રે સંશોધન તથા નવીનતાને વધુ પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.

 

આ વર્ષની પરિષદની થીમ ‘Evolving Arthroplasty’ રાખવામાં આવી છે. તેમાં રોબોટિક્સ, કિનેમેટિક્સ અને નવીનતા જેવા વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ઉપયોગમાં લેવાતી આધુનિક પદ્ધતિઓ, સર્જરીની ચોકસાઈ, દર્દીની જરૂરિયાત અનુસાર સારવાર અને ટેકનોલોજીના વધતા ઉપયોગ અંગે નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવશે.

 

ત્રણ દિવસ સુધી ચાલનારી આ પરિષદમાં વિવિધ વૈજ્ઞાનિક સત્રો, સંશોધન પત્રોની રજૂઆતો અને નિષ્ણાતો વચ્ચે ચર્ચાઓ યોજાશે. આ સત્રો દ્વારા સાંધાના રોગોના નિદાન અને સારવારની આધુનિક પદ્ધતિઓ, સર્જરી પછીની સંભાળ તથા દર્દીઓના પુનર્વસન જેવા વિષયો અંગે માહિતી અને અનુભવોની આપ-લે કરવામાં આવશે. તબીબી ક્ષેત્રે થઈ રહેલા સંશોધન અને નવીનતાઓથી સર્જનોને પરિચિત કરાવવાનો પણ આ પરિષદનો હેતુ છે.

 

અમદાવાદના ધ ફોરમ હોટેલ એન્ડ કન્વેન્શન ખાતે આવેલા દિનુંભાઈ પટેલ હોલમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પરિષદનું આયોજન ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશન, ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન, અમદાવાદ ઓર્થોપેડિક સોસાયટી અને અમદાવાદ આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

 

આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ ડૉ. રાકેશ રાજપૂત, સચિવ ડૉ. દેબાબ્રત પાધ્યા, આયોજન સમિતિના અધ્યક્ષ ડૉ. એચ. પી. ભલોડિયા અને આયોજન સમિતિના સચિવ ડૉ. ધીરજ મારોઠી જૈન સહિત અનેક અગ્રણી તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

 

IAACON 2026 દ્વારા ઓર્થોપેડિક સારવાર ક્ષેત્રે નવીન ટેકનોલોજી, સંશોધન અને નિષ્ણાતોના જ્ઞાનને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પરિષદથી તબીબી વ્યાવસાયિકો વચ્ચે સહયોગ વધવાની સાથે સાંધાના રોગોથી પીડાતા દર્દીઓ માટે વધુ આધુનિક અને અસરકારક સારવાર પદ્ધતિઓ વિકસાવવા પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો