વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય દ્વારા “ભારતીય કૃષિના ૨૫ વર્ષ: પરિવર્તન અને આગળનો માર્ગ” આ વિષય પર એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી તેમણે સંબોધન કરતા છેલ્લા ૨૫ વર્ષ દરમ્યાન કૃષિ ક્ષેત્રમાં ગુજરાત અને દેશમાં થયેલા જુદા-જુદા પરિવર્તન, મેળવેલી સિદ્ધિઓ તથા આવનાર પડકારો વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરીયા, કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણી, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. આર. એમ. સોલંકી દ્વારા પણ કૃષિ ક્ષેત્રના યોગદાન પર જુદા-જુદા વક્તવ્ય આપવામાં આવ્યા હતા. આ સેમિનાર દરમ્યાન કુલ ૪૮ જેટલા અનુસ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો. પી. ડિ. કુમાવત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં સહ પ્રાધ્યાપક ડો. બી. એચ. તાવેથીયા દ્વારા ઉપસ્થિત અધિકારીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.











