વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, તા-૩૦ સપ્ટેમ્બર : સફાઈ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી સાથે સ્વચ્છતા જાળવણી અને જનજાગૃતિ માટે વિવિધ સ્થળોએ શ્રમદાન.
‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા કચ્છ જિલ્લામાં સ્વચ્છતા કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપીને ‘સફાઈ કર્મચારી સુરક્ષા શિબિર’ તથા વિવિધ સ્થળોએ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓના આરોગ્યની જરૂરી તપાસ કરવામાં આવી તેમજ સફાઈ કામગીરી દરમિયાન આરોગ્યની સુરક્ષા, વ્યક્તિગત સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવા સમજ આપવામાં આવી હતી.સુખપર ગામે ધારાસભ્યએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો.‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત ભુજ તાલુકાના સુખપર ગામે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે સ્વચ્છતા માત્ર સરકારી તંત્રની જવાબદારી ન બની રહે પરંતુ દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને તે માટે અપીલ કરી હતી. સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવેલ. સાથે જ સફાઈ કર્મચારીઓ સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં કામગીરી કરી શકે તથા તેમના આરોગ્યની નિયમિત ચકાસણી કરાવતા રહે અને આરોગ્ય પ્રત્યે જરૂરી કાળજી રાખે તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.આ તકે માનનીય ધારાસભ્યશ્રી એ વુક્ષારોપણ કરીને પ્રયાવરણ બાબતે સંદેશ આપેલ. તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ સફાઈ કર્મચારી ઓનું હેલ્થ ચેકઅપ અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લખપત તાલુકાના નારાયણ સરોવર અને કપુરાસી ગામે, રાપર તાલુકાના ચિત્રોડ, ભચાઉ તાલુકાના મનફરા અને ખારોઈ, ભુજ તાલુકાના સુખપર,માંડવી તાલુકાના ગુંદીયાલી તેમજ નખત્રાણા તાલુકાના મુરુ તેમજ વિવિધ ગામોમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું.આ દરમિયાન જાહેર સ્થળો, ગામના મુખ્ય માર્ગો તથા આસપાસના વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી તેમજ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાળવવા અંગે ગ્રામજનોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ સફાઈ કર્મચારી સુરક્ષા શિબિર અને સફાઈ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સંબંધિત ગામોના સરપંચશ્રીઓ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના અધિકારી-કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈને સ્વચ્છતા કામગીરીમાં સક્રિય સહભાગીદારી નોંધાવી હતી.સફાઈ કર્મચારીઓ સ્વચ્છતાના સાચા સૈનિકો છે. તેમના આરોગ્ય, સુરક્ષા અને સન્માન સાથે સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે ‘સ્વચ્છતા હિ સેવા–૨૦૨૬’ અભિયાન હેઠળ કચ્છ જિલ્લામાં સ્વચ્છતા અને જનભાગીદારીનો સંદેશ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.












