તા.૩૦.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદમાં પાલિકા ચીફ ઓફિસરની કડક કાર્યવાહી: ગોધરા રોડ પર ગંદકી બદલ’રજવાડી ચા’ની દુકાન સીલ
દાહોદ શહેરમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે નગરપાલિકાના ચીફ ઓફિસરે લાલ આંખ કરી ચીફ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક તપાસ દરમિયાન, શહેરના વ્યસ્ત એવા ગોધરા રોડ પર આવેલી ‘રજવાડી ચા’ની દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે. દુકાનમાં સ્વચ્છતાનો ભારે અભાવ અને અસ્વચ્છતા જોવા મળતા આ આકરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગોધરા રોડ પર આવેલી આ જાણીતી ચાની દુકાનમાં ગંદકી થતી હોવાની અને સફાઈ રાખવામાં આવતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેને પગલે પાલિકા ચીફ ઓફિસરની કડક સૂચનાથી આરોગ્ય અને સફાઈ વિભાગની ટીમે સ્થળ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન દુકાનની અંદર અને આસપાસના ભાગે અસહ્ય ગંદકીનો માહોલ જોવા મળ્યો હતો, જે જાહેર આરોગ્ય માટે મોટું જોખમ ઉભું કરી શકે તેમ હતો.સ્વચ્છતાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોઈને પાલિકાની ટીમે ચીફ ઓફિસરના આદેશથી તાત્કાલિક ધોરણે ‘રજવાડી ચા’ની દુકાનને સ્થળ પર જ સીલ મારી દીધું હતું. આ સાથે જ બેદરકારી દાખવવા બદલ દુકાન સંચાલક સામે રૂપિયા 10,500નો ભારે દંડ ફટકારીને વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવી છે.પાલિકા ચીફ ઓફિસરની આ ઓચિંતી અને કડક કાર્યવાહીને પગલે ગોધરા રોડ સહિત સમગ્ર દાહોદ શહેરના ખાણી-પીણીના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરનારા અને ગંદકી ફેલાવનારા કોઈપણ તત્વોને બક્ષવામાં નહીં આવે, અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ વધુ કડક બનાવવામાં આવશે










