નર્મદા : ભ્રષ્ટાચારનો પર્યાય રાજપીપળા–રામગઢ બ્રિજનું બાંધકામ કરનાર સુરતની કંપની સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ

—————————————–
રૂ. 10.02 કરોડના બાંધકામના કામમાં મંજૂર ડિઝાઇન અને ટેકનિકલ સ્પેસિફિકેશનનું પાલન ન કર્યાનો આક્ષેપ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના રાજપીપળાથી રામગઢ (નવાગામ) રોડ પર કરજણ નદી ઉપર એપ્રોચ રોડ સહિતના મેજર બ્રિજના બાંધકામના કામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરી મંજૂર ડિઝાઇન અને ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ કામ ન કર્યાના આક્ષેપસર સુરતની કંપની સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, સરકાર દ્વારા રાજપીપળા–રામગઢ (નવાગામ) રોડ પર કરજણ નદી ઉપર એપ્રોચ રોડ સહિતના મેજર બ્રિજના બાંધકામનું કામ મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરતને સોંપવામાં આવ્યું હતું. આ બાંધકામ માટે સરકાર પાસેથી રૂ. 10,02,99,222ની રકમ મેળવવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદ મુજબ, બાંધકામ દરમિયાન યોગ્ય ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવો, મંજૂર ડિઝાઇન અને ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ કામ કરવું તેમજ જરૂરી બાંધકામ ધોરણોનું પાલન કરીને બ્રિજને સલામત અને ટકાઉ સ્થિતિમાં તૈયાર કરી સોંપવાની જવાબદારી ઇજારદાર કંપનીની હતી.
જોકે, ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપની તથા તેના જવાબદાર સંચાલકો અને અધિકૃત પ્રતિનિધિઓએ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરી મંજૂર ડિઝાઇન અને સ્પેસિફિકેશન મુજબ કામ કર્યું નહોતું. આ રીતે સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ મામલે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, રાજપીપળાના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ સોનીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરત તથા કંપનીના જવાબદાર સંચાલકો અને અધિકૃત પ્રતિનિધિઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.
હાલ આ મામલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ અને આગળની પોલીસ કાર્યવાહી અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
નાયબ કાર્યપાલક ઇન્જીનીયર ચિરાગ સોની એ જણાવેલ કે 2020માં આ બ્રિજ નું કામ પૂર્ણ થયેલ અને તેમને ચુકવણું કરેલ ત્યારે તે ક્ષતીગ્રસ્ત થયેલ તો સટલમેન્ટ થયા જેમાં 2022માં પણ સેટલમેન્ટ થયો અને જેના ભાગ રૂપે કંપનીએ રીનોવેશન નું કામ કર્યું પણ કોઈ ફરક જોવા મળ્યો નહીં અને સરકાર તરફ થી તપાસના આદેશ અપાયા ત્યારે ક્ષતીઓ જણાતા હેવે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.









