દિલ્હીના પ્રતિષ્ઠિત સાઉથ કેમ્પસ પાસે આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં તાજેતરમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બોય્ઝ પીજી તરીકે વપરાતી બે ઇમારતો અચાનક ધરાશાયી થતાં 7 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે કાટમાળમાંથી 12 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલે દિલ્હી હાઇકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હી સરકાર, કેન્દ્ર અને MCD તરફથી હાજર રહેશે. કોર્ટે આ ઘટનાને અત્યંત દર્દનાક અને કમનસીબ ગણાવી હતી અને કેસની આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે નિયત કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે બહારના રાજ્યોમાંથી દિલ્હી ભણવા આવતા યુવાનો માટે DU પાસે પૂરતા હોસ્ટેલની વ્યવસ્થા નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ નાછૂટકે અસુરક્ષિત ખાનગી પીજીમાં રહેવું પડે છે.
કોર્ટે MCDને ઉચ્ચ સ્તરે તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે ધરાશાયી થયેલી ઇમારત પરવાનગી સાથે બની હતી કે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે પીજી માલિકો મંજૂરી વિના વધારાના માળ બાંધી દે છે. મંજૂરી કદાચ 2 માળની હોય અને બિલ્ડિંગ 7 માળનું ખડકી દેવામાં આવે છે, જે આવી હોનારતોનું મુખ્ય કારણ બને છે. હાઇકોર્ટે MCDને સમગ્ર દિલ્હીમાં ચાલતા PG હોસ્ટેલોનું તાત્કાલિક ઓડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથોસાથ દિલ્હી યુનિવર્સિટી પાસે પણ બહારથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ઉપલબ્ધ હોસ્ટેલોનો ડેટા મંગાવ્યો છે.
દુર્ઘટના બાદ દક્ષિણ દિલ્હી પોલીસે ફરાર થઈ ગયેલા બિલ્ડિંગ માલિક હરીરામ બંસલની ધરપકડ કરી લીધી છે. પોલીસ ટીમે તેના પાલમ વિહાર સ્થિત ઘરે દરોડા પાડ્યા બાદ તેને રાજસ્થાનના ભિવાડી ખાતેથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, જ્યારે બિલ્ડિંગમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે આ પાંચ માળનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું.
બીજી તરફ, વહીવટી લાપરવાહી સામે પગલાં લેતાં MCDએ સાઉથ ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ કુમાર ઉપરાંત સુપ્રીન્ટેન્ડિંગ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયર સહિત કુલ 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.








